'કોઇનું ધડ ગુમ, કોઈ બૂમો પાડતા અને લોકો વીડિયો બનાવતા વ્યસ્ત હતા...' : દિલ્હી બ્લાસ્ટનો પ્રત્યક્ષદર્શી

November 11, 2025

લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ, દિલ્હીનું હૃદય જાણે થંભી ગયું હોય. ચારે બાજુ ફક્ત, આગ ધુમાડો, ચીસો અને અફરા-તફરી. જોકે, આ દરમિયા કેટલાક એવા લોકો પણ હતા જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના બીજાને મદદ કરી છે. ગ્રેટર નોઇડાના ધર્મેન્દ્ર ડાગર એ એવા અમુક લોકોમાંથી એક છે, જે અકસ્માત સમયે નજીકમાં હાજર હતા. તેમના શબ્દોમાં ઘટનાની સ્થિતિ વિશે જાણીને લોકોનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. 

ધર્મેન્દ્ર એ જણાવ્યું કે, 'હું મેટ્રો ગેટ નંબર એક પાસે પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક જોરદાર ધમાકો થયો. ગાડી હવામાં ઉડી અને પછી નીચે પડી તો બસ એક માળખું જ બચ્યું હતું. ચારે બાજું આગ લાગી ગઈ હતી, કાચ તૂટી ગયા, હું ભાગીને રોડ પર આવ્યો, જોયું તો ગાડીમાં લોકો સળગી રહ્યા હતા. બ્લાસ્ટ બાદ અમુક જ સેકન્ડમાં આજુબાજુના લોકો દૂર ભાગી ગયા. ધુમાડો એટલો બધો હતો કે, કંઈ દેખાતું નહતું. મેં લોકોને બૂમ પાડીને કહ્યું કે, મદદ કરો, અંદર લોકો ફસાયેલા છે. પરંતુ, કોઈ આગળ ન આવ્યું. બધાના હાથમાં ફક્ત મોબાઇલ હતા, લોકો વીડિયો બનાવી રહ્યા હતા. આ ક્ષણ ખૂબ જ ડરામણી હતી.'

ધર્મેન્દ્ર ડાગરે જણાવ્યું હતું કે, જેમ-તેમ અમે ચાર મૃતદેહ અને એક ઈજાગ્રસ્તને બહાર કાઢ્યા. હું એકલો નહતો, લાલ કિલ્લા ચોકીના બે પોલીસકર્મી અજય અને થાન સિંહ પણ પહોંચ્યા હતા. અમે ચાર લોકોએ મળીને અંદરથી મૃતદેહ બહાર કાઢ્યા. એક ટેક્સી ડ્રાઇવર હતો, તેનું શરીર આખું બળી ગયું હતું. એક અન્ય શખસ હતા જે મદદ માટે બૂમો પાડી રહ્યો હતો, તેને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો.