સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ

January 21, 2025

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં ફરી એકવાર આપઘાતનો બનાવ બન્યો છે. આજે (21મી જાન્યુઆરી) શહેરના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો. જો કે,આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8મા અભ્યાસ કરતી હતી. મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાને લઇને વિદ્યાર્થિનીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, તેઓ તેના પર દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચુ કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.