'ગજબ' આપખુદશાહી : ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને વેનેઝુએલાના 'એક્ટિંગ પ્રેસિડેન્ટ' જાહેર કર્યા

January 12, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આખી દુનિયાને ચોંકાવી દીધી છે. વેનેઝુએલા પર અમેરિકન સૈન્ય કાર્યવાહી અને ત્યાંના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, હવે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાને વેનેઝુએલાના 'એક્ટિંગ પ્રેસિડેન્ટ' એટલે કે 'કાર્યકારી રાષ્ટ્રપતિ' જાહેર કરી દીધા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રૂથ સોશિયલ' પર એક ડિજિટલી એડિટ કરેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં ટ્રમ્પે પોટ્રેટની નીચે તેમને 'એક્ટિંગ પ્રેસિડેન્ટ ઓફ વેનેઝુએલા' તરીકે દર્શાવ્યા છે. આ પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે તેઓ જાન્યુઆરી 2026થી આ પદ પર બિરાજમાન છે.

આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકન સૈન્ય હસ્તક્ષેપ બાદ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સીલિયા ફ્લોરેસની ધરપકડ કરવામાં આવી છે. તેમને ખાસ વિમાન દ્વારા અમેરિકા લાવવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર, માદુરો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં ડ્રગ ટ્રાફિકિંગ(નાર્કો-ટેરરિઝમ) અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ હેઠળ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.