પાકિસ્તાનના ક્વેટામાં રેલવે સ્ટેશને જોરદાર વિસ્ફોટથી હડકંપ, 21 લોકોનાં મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત

November 09, 2024

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ બલૂચિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભયાનક વિસ્ફોટની માહિતી મળી રહી છે. આ વિસ્ફોટ ક્વેટા રેલવે સ્ટેશનની નજીકમાં થયો હતો જેમાં 21 લોકોએ જીવ ગુમાવી દીધા છે. જ્યારે અન્ય 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. 

આ ઘટના સાથે જ બલૂચિસ્તાનમાં ફરી અરાજકતા ફેલાઈ છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટ રેલવે સ્ટેશનના બુકિંગ કાર્યાલયની પાસે થયો હતો. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં જ આ ભયાનક વિસ્ફોટ થયો હતો. જોકે વિસ્ફોટ સમયે પ્લેટફોર્મ પર પ્રવાસીઓની મોટી ભીડ હોવાને કારણે મોટાપાયે જાનહાનિ સર્જાઇ હોવાના અહેવાલ છે. 

પોલીસ અને બચાવકર્મીએ ઘટનાસ્થળે પહોંચીને ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી. ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં પણ ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને વધારાના ડૉક્ટરો અને સહાયક કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે. 

રેલવેના અધિકારીઓના એહવાલ અનુસાર જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર માટે રવાના થવાની હતી. વિસ્ફોટ થતાં જ ટ્રેનને અટકાવી દેવામાં આવી છે અને હજુ તે પ્લેટફોર્મ પર પહોંચી નથી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મૃતકાંક વધવાની આશંકા વધી ગઈ છે.