મધ્યપ્રદેશના છતરપુરમાં ફૂડ પોઈઝનિંગની આશંકા : રીંગણનું શાક ખાધા બાદ એક જ પરિવારની ત્રણ બહેનોનાં શંકાસ્પદ મોત

August 24, 2026

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના પીપોરા ખુર્દ ગામમાંથી એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારની ત્રણ નાની સગીર બહેનોની શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં 9 મહિનાની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે.

મૃતક બાળકીઓની ઓળખ પૂનમ કુશવાહા ઉંમર 7 વર્ષ, મનીષા કુશવાહા ઉંમર 3 વર્ષ, ચાહત કુશવાહા ઉંમર 9 મહિના તરીકે થઈ છે. તેઓ બાલમુકુંદ કુશવાહાના પરિવારની પાંચ દીકરીઓમાંથી ત્રણ છે. મટગુવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અંકુર ચોબેના જણાવ્યા મુજબ પરિવાર તરફથી માહિતી મળી હતી કે રાત્રિના સમયે પૂનમ, મનીષા અને ચાહતની તબિયત અચાનક લથડી હતી. બાળકીઓને ઝાડા અને ઉલટીની ગંભીર ફરિયાદ થતાં પરિવારજનો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જોકે ટૂંકી સારવાર દરમિયાન જ ત્રણેયએ દમ તોડી દીધો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકીઓએ રાત્રિના ભોજનમાં છેલ્લે રીંગણનું શાક ભર્થું ખાધું હતું. તે ખાધા બાદ જ તેમની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ મોત ફૂડ પોઈઝનિંગ અથવા ખોરાકમાં ઝેરી તત્વ ભળવાને કારણે થઈ હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પીપોરા ખુર્દ ગામ દોડી ગયા હતા અને સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે ભોજનના સેમ્પલ લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. હાલ બાળકીઓના મૃતદેહને તેમના પૈતૃક ગામમાં દફનાવવામાં આવ્યા છે અને પોલીસ તમામ એંગલથી ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.