સુરતમાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે યુવકનું શંકાસ્પદ મોત

January 28, 2025

સુરત: રાજ્યમાં અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા હોવાથી પોલીસ નો ડ્રગ્સ અભિયાન પણ ચલાવી રહી છે. તેમછતાં રાજ્યના દરિયા કિનારે અને એરપોર્ટ પરથી કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. આ ઉપરાંત લાખો કરોડોના ડ્રગ્સની ઘૂસણખોરી પણ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં એક 32 વર્ષીય યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનો પરિવાજનોએ આક્ષેપ કર્યો છે. યુવકના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યારે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા યુવકના મોતનું સાચું કારણ જાણી શકાશે. જોકે પોલીસે હાલ આ મામલે તપાસ કરી રહી છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના શહેર ઉના વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીમાં રહેતો અને રીક્ષ ચલાવીને ગુજરાત ચલાવતો નવાઝખાન પઠાણ ઘણીવાર દારૂનો નશો કરતો હતો, પરંતુ કેટલાક દિવસોથી એમડી ડ્રગ્સનું સેવન કરતો થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ગત 20 જાન્યુઆરીએ રાત્રે આ યુવકે નશીલા દ્રવ્યનું ઇન્જેક્શન લેતાં તેને ખેંચ આવવા લાગી હતી અને બેભાન થઇ ગયો હતો. 


ત્યારબાદ તેને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ ખરાબ થતી જણાંતા અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. છેલ્લા 8 દિવસમાં શહેરની અલગ અલગ ત્રણ જેટલી હોસ્ટિલોમાં સારવાર બાદ આજે (28 જાન્યુઆરી) સવારે નવાજખાન પઠાણ નામના યુવકનું મોત નીપજ્યું હતું. 

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે નવાજખાન પઠાણનું મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું છે. જેથી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી ઉડદો ઉંચકાઇ જશે અને મોતનું સાચું કારણ સામે આવશે.