ટેસ્ટ હાર બાદ વન-ડેમાં ટીમ ઇન્ડિયાની જોરદાર વાપસી, આફ્રિકાને 17 રનથી હરાવી સિરીઝમાં 1-0ની લીડ

December 01, 2025

વિરાટ કોહલીની શાનદાર સદી (135 રન)ની મદદથી ભારતે આપેલા લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ ટકી શકી નહોતી. બોલિંગ અને બેટિંગ બંને ક્ષેત્રે મજબૂત પ્રદર્શન સાથે ભારતે આ જીત હાંસલ કરી છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયાએ વન-ડે સિરીઝમાં વિજયી શરૂઆત કરી છે. રાંચીના JSCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા પ્રથમ વન-ડે મુકાબલામાં ભારતે સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરમાં વિરાટ કોહલીની રેકોર્ડબ્રેક 52મી વન-ડે સદી મુખ્ય હતી. કોહલીએ પોતાના વન-ડે કરિયરની 52મી સદી ફટકારીને સચિન તેંડુલકરના એક ફોર્મેટમાં સૌથી વધુ (ટેસ્ટમાં 51) સદીના રેકોર્ડને તોડ્યો છે. કોહલીએ માત્ર 120 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 135 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે 136 રનની શતકીય ભાગીદારી નોંધાઈ હતી, જેમાં કેએલ રાહુલે પણ અડધી સદી ફટકારી હતી.

350 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમને ભારતીય બોલરોએ 332 રન પર રોકી દીધી હતી. ડેબ્યૂ કરી રહેલા હર્ષિત રાણાએ પ્રથમ ઓવરમાં જ સફળતા મેળવી હતી, જ્યારે મિડલ ઓવરોમાં કુલદીપ યાદવના કરિશ્માઈ પ્રદર્શને સાઉથ આફ્રિકાની ગતિ રોકી હતી.