નર્મદામાં 21 કિલોમીટર લાંબી ઉત્તરવાહિની પરિક્રમાનો થશે પ્રારંભ

March 21, 2025

નર્મદા : ગુજરાતના નર્મદા જિલ્લામાં વર્ષમાં એક મહિના દરમિયાન યોજાતી 21 કિલોમીટર લાંબી ઉત્તરવાહિની પરિક્રમાની મોટાપાયે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી નદી પાર કરવામાં મદદરૂપ થાય તે માટે તંત્ર દ્વારા શહેરાવથી તિલકવાડા ઘાટ પર રૂ. 2.68 કરોડના ખર્ચે હંગામી કાચો પુલ બનાવવાની કામગીરી શરૂ છે. જ્યારે આગામી 29મી માર્ચ, 2025થી એક મહિના સુધી પરિક્રમ થશે, ત્યારે શ્રદ્ધાળુની સુરક્ષા સહિત મુદ્દે તંત્રએ તૈયારી દાખવી છે. રાજ્યમાં આગામી 29 માર્ચના રોજ નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોના પણ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે. નર્મદા પરિક્રમાની એક અલગ મહિમા છે. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓને પરિક્રમા રૂટ પર લાઈટ, પાણી, ડોમ, સેવાકેન્દ્રો સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. આ સાથે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને પરિક્રમાર્થીઓને આરામ કરવા માટે વિશ્રામ સ્થાનની વ્યવસ્થા કરવામાં આવી છે.