પૈસા ગણવા આવેલા બેન્કકર્મીએ જ વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં 9 લાખની ચોરી કરી

April 06, 2025

16 દાનપેટીની રકમ ગણવાની કામગીરી દરમિયાન બની ઘટના

મથુરા- વૃંદાવનમાં પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં ચોરીની ઘટનાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મંદિરને દાનમાં મળેલા પૈસા ગણવા આવેલો બેન્કનો કર્મચારી ચોરી કરતો રંગે હાથ ઝડપાઈ ગયો છે. બેંક કર્મચારી પાસેથી 9 લાખ 50 હજાર રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ચોરીની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. મંદિર વહિવટકર્તા દ્વારા ચોરીની ઘટના અંગે બેંક કર્મચારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી બેંક કર્મચારી અભિનવ સક્સેનાની ધરપકડ કરી લીધી છે.


વાસ્તવમાં પ્રસિદ્ધ ઠાકુર શ્રી બાંકે બિહારી મંદિરમાં નિયમો મુજબ દર મહિને કોર્ટ દ્વારા નિમાયેલા અધિકારીઓની દેખરેખ હેઠળ દાનની પેટીઓ ખોલવામાં આવે છે. મંદિરમાં કુલ 16 દાન પેટીઓ છે અને છેલ્લા ત્રણ દિવસથી તેને ખોલવાની અને તેમાંની રકમ ગણવાની કામગીરી ચાલી રહી છે. જોકે શનિવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમના કર્મચારીઓને આશંકા ગઈ કે, બેંક કર્મચારીઓ તેના કપડાંમાં કંઈક છુપાવી રહ્યો છે.
બેંક કર્મચારી પર આશંકા ગયા બાદ કંટ્રોલ રૂમના કર્મચારીઓએ તુરંત વહિવટીતંત્રને જાણ કરી હતી. ત્યારબાદ બાંકે બિહાર મંદિરના સંચાલક મનુશ શર્માએ સીસીટીવી ચેક કર્યા હતા. આ દરમિયાન રકમની ગણતરી કરી રહેલા અભિનવની તપાસ કરવામાં આવી તો તેની પાસેથી 1.88 લાખ મળી આવ્યા હતા. પછી મંદિરના સંચાલકે તુરંત પોલીસને જાણ કરી હતી.