નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર નાસભાગમાં મૃતકાંક વધી 18 થયો, મૃતકોની યાદી જાહેર કરાઈ

February 16, 2025

મહાકુંભ જેમ-જેમ પૂર્ણાહુતિ તરફ જઇ રહ્યું છે તેમ-તેમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે ત્યાં ડૂબકી લગાવવા જઇ રહ્યા છે. આ વચ્ચે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થતા નાસભાગ થઇ હતી. અહેવાલ મુજબ, ઘટનામાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જેમાં 9 મહિલાઓ, 5 બાળક અને 4 પુરુષ સામેલ છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક વીડિયો પણ વાઇરલ થઇ રહ્યા છે.

નોંધનીય છે કે, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 12-16 પર મહાકુંભ જવા માટે ભારે ભીડ એકઠી થવાને કારણે નાસભાગ થઇ હતી. આ ઘટનામાં 18 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તો અને મૃતકોને LNJP અને લેડી ઇરવીન હોસ્પિટલ લઇ જવાયા છે. હાલ અહીં ચાર ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. સૂત્રો અનુસાર બે ટ્રેનો મોડી પડતા ભીડ વધવા લાગી હતી જેમાં પ્લેટફોર્મ પર ટ્રેનનો નંબર બદલાઈ જતા ભીડ એકાએક વધી ગઈ હતી