લોકસભામાં પત્તું કપાતા ઝેર ગટગટાવી જનારા સાંસદનું નિધન

March 28, 2024

ઈરોડ  : તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. તેમણે આપઘાત કરી લીધું હતું. થોડા દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી જવાને કારણે તેમની હાલત બગડી હતી અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એવું કહેવાય છે કે ડીએમકે સાથે ગઠબંધનમાં તેમની પાર્ટી એમડીએમકેને ઈરોડથી ટિકિટ ન ફાળવતાં તેઓ નારાજ હતા અને આ કારણે જ તેમણે ઝેરી દવા પી લીધી હતી. 

ઝેરી દવા ગટગટાવી જવાને કારણે સાંસદ ગણેશમૂર્તિની તબિયત લથડી ગઈ હતી અને તેના પગલે તેમને કોઈમ્બતુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે સવારે 5 વાગ્યે તેમનું અવસાન થયું હતું. બુધવારે સવારે ઉલ્ટીની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગણેશમૂર્તિએ તેમના પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે તેમણે જંતુનાશક દવાનું સેવન કર્યું હતું. 

અહેવાલ અનુસાર પોલીસે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ડીએમકેની ટિકિટ પર ચૂંટાયા હતા. ત્રણ વખતના સાંસદ રહી ચૂકેલા ગણેશમૂર્તિ એમડીએમકેમાં પ્રમુખ પદો પર રહી ચૂક્યા હતા. અહેવાલો અનુસાર ગણેશમૂર્તિને કથિતરૂપે આગામી લોકસભા ચૂંટણીમાં ઈરોડથી ટિકિટ ન આપવામાં આવતા તેઓ નારાજ હતા. ડીએમકેએ ઈરોડમાં તેના નવા ઉમેદવારને ઉતાર્યા હતા અને તિરુચીની બેઠક એમડીએમકેને આપવાનો નિર્ણય લીધો હતો.