નેપોટીઝમની ચર્ચા બકવાસ છે, કોણ કરે છે આ પ્રકારનો ભેદભાવ ? મનોજ બાજપેયીએ કર્યો ખુલાસો

March 04, 2023

નવી મુંબઇ: બોલીવુડમાં નેપોટિઝમ શબ્દ ચર્ચાનો વિષય રહ્યો છે. આ ટોપીક પર જોકે ક્યારેય કોઈ ખુલીને બોલતું નથી. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સેલેબ્સ આ મુદ્દે સતત પોતપોતાના મંતવ્યો દુનિયા સમક્ષ રાખે છે. ઘણા મોટા સ્ટાર્સે સ્વીકાર્યું છે કે, બોલીવુડમાં નેપોટિઝમ છે, તો ઘણા લોકો કહે છે કે તેમાં ખોટું શું છે? અભિનેતા મનોજ બાજપેયી અનેકવાર તેમના બેબાક બોલના કારણે ચર્ચામાં રહે છે.નેપોટિઝમને લઇને હવે અભિનેતા મનોજ બાજપેયીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમનુ કહેવુ છે કે આ બકવાસ ચર્ચાનો મુદ્દો છે. આ અંગે કોઈ ચર્ચા થવી જોઈએ નહીં કારણ કે માત્ર એક જ ઈન્ડસ્ટ્રી પાસેથી ન્યાયની માંગ કરવી યોગ્ય નથી.
'ગુલમોહર' સ્ટારે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે, નેપોટીઝમ એક નિરર્થક ચર્ચા છે. જો કોઈ મનગમતા સ્ટારને કાસ્ટ કરવા માંગે છે તો તેને કોઈ રોકી શકે નહિ કારણકે અંતે તો તે પોતાના જ પૈસા ખર્ચી રહ્યો છે. વધુ પડતી ડીલ ઈન્ડસ્ટ્રી કનેક્શન અને રિલેશનને કારણે જ થાય છે. જો તમારા કોઈની સાથે સારા સંબંધો હોય તો તમે તેની સાથે વધુ કામ કરવા ઈચ્છો છો પરંતુ જો તે મારી જગ્યાએ પોતાના કોઈ સગા-સબંધી કે તેમના છોકરાને લેવા માંગે છે તો કાંઈ ખોટું નથી કારણકે મૂવીમાં તેમના પૈસા છે, તેમને જેમ કરવું હોય તેમ કરી શકે છે. આ વિષય પર પોતાનો મુદ્દો રાખતાં મનોજ બાજપેયીએ કહ્યું કે, 'પ્રદર્શકો પક્ષપાત કરે છે. તમે અન્યને 100 સ્ક્રીનો આપો છો, ત્યારે ઓછામાં ઓછી 25 તો મને આપો. જો તમે બધી સ્ક્રીન તેને આપશો તો પછી મારું શું ? જે જેટલો વધુ પાવરફુલ હોય છે તે જ તેટલો પોતાના પાવરનું વ્હિલ ફેરવતો રહે છે. એક્ટર મનોજ બાજપેયીએ કહ્યું કે, 'મેં એવા પણ લોકો જોયા છે જેઓ ટ્વિટર પર કંઈક બીજું લખે છે અને તેમના કાર્યસ્થળ પર તેનાથી વિરુદ્ધ કરે છે તેથી વિરોધાભાસ સર્જાય છે. જો તમે નિષ્પક્ષતા અને ન્યાયની માંગ કરી રહ્યા છો તો જીવનના દરેક ક્ષેત્રમાં ન્યાયની જ માંગ કરો.