ટેનિસની દુનિયાના 'ક્લે કોર્ટ કિંગ'ની લાગણીશીલ નિવૃત્તિ, કહ્યું- સારા માણસ તરીકે ઓળખાવા માગું છું

November 20, 2024

 ટેનિસના મહાનતમ ખેલાડીઓ પૈકીના એક એવા સ્પેનના રાફેલ નડાલે મંગળવાર, નવેમ્બર 19 ના રોજ ટેનિસને અલવિદા કહી દીધું હતું. તેમણે પોતાના દેશ માટે વ્યાવસાયિક કારકિર્દીની અંતિમ મેચ ‘ડેવિસ કપ’માં રમી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો. સ્પેનના નાનકડા ગામડામાં જન્મેલું બાળક ટેનિસ-જગતનો ‘કિંગ’ બનીને ભવ્ય કહેવાય એવો વારસો છોડી ગયો છે.

ટેનિસમાં ફક્ત પુરુષ ખેલાડીઓ દ્વારા ‘ડેવિસ કપ’ રમાય છે, જે બે ખેલાડી વચ્ચે નહીં પણ બે દેશ વચ્ચે ખેલાતો પ્રતિષ્ઠિત જંગ ગણાય છે. એક દેશની ટીમ બીજા દેશની ટીમ સામે ભીડાય છે. આ વર્ષની ડેવિસ કપ ક્વાર્ટર ફાઈનલમાં સ્પેનનો મુકાબલો નેધરલેન્ડ સામે હતો, જે નેધરલેન્ડે 2-1થી જીતી લીધો હતો. પહેલી સિંગલ્સ મેચમાં સ્પેનના 38 વર્ષીય રાફેલ નડાલનો મુકાલબો વિશ્વના 80 મા ક્રમના બોટિક વાન ડી ઝેન્ડસ્ચલ્પ સાથે થયો હતો, જેમાં નડાલની 4-6, 4-6 ના સ્કોરથી હાર થઈ હતી. બીજી સિંગલ્સમાં કાર્લોસ અલ્કારાઝે ટેલોન ગ્રીકસ્પૂરને 7-6(7-0), 6-3થી હરાવીને સ્પેનને બરાબરી પર લાવી દીધું હતું, પણ ત્રીજી અને નિર્ણાયક ડબલ્સ મેચમાં નેધરલેન્ડની ટીમ 7-6(7-4), 7-6(7-3) જીતી જતાં સ્પેન સ્પર્ધામાંથી બહાર થઈ ગયું હતું. નડાલે હરિફને બરાબરની ટક્કર આપી હોવા છતાં તેમનો પરાજય થયો હતો.