સિડનીમાં હુમલો કરનારા પિતા-પુત્ર વીકએન્ડના બહાને નીકળ્યા હતા, પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું

December 15, 2025

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે આવેલા બોન્ડી બીચ પર અંધાધૂંધ ગોળીબાર કરીને 16 લોકોની હત્યા કરનારા બે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. આ બંને આતંકીઓ સંબંધમાં પિતા-પુત્ર  છે. 50 વર્ષીય સાજિદ અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર નવીદ અકરમ એ યહૂદીઓના તહેવાર હનુક્કાહની ઉજવણી દરમિયાન દરિયાકિનારે એકઠા થયેલા લોકો પર ગોળીઓ વરસાવી હતી. અહેવાલ અનુસાર, 24 વર્ષનો આતંકી નવીદ અકરમ પાકિસ્તાની નાગરિક છે અને ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનો ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર મેલ લાન્યોને જણાવ્યું કે 50 વર્ષીય આતંકી સાજિદ અકરમને પોલીસે ગોળી મારી દીધી, જ્યારે 24 વર્ષીય નવીદ અકરમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને 40 ઘાયલ થયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે હુમલામાં સામેલ આતંકી પિતા-પુત્રએ ઘરે કહ્યું હતું કે તેઓ સધર્ન સી-કોસ્ટ પર માછલી પકડવા (ફિશિંગ) માટે જઈ રહ્યા છે. હુમલા પછી પોલીસે સિડનીના પશ્ચિમમાં બોનીરિગ સ્થિત નવીદના ઘરને ઘેરી લીધું હતું. નવીદની માતા વેરેનાએ મીડિયાને જણાવ્યું કે તેનો પુત્ર, જે બેરોજગાર રાજમિસ્તરી હતો, તેણે રવિવારે સવારે છેલ્લીવાર પરિવાર સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તે વીકએન્ડ પર તેના પિતા સાથે જર્વિસ બે ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી શંકાસ્પદના છ લાઇસન્સવાળા હથિયારો જપ્ત કર્યા છે. લાન્યોને જણાવ્યું કે સાજિદ અકરમ પાસે લગભગ દસ વર્ષથી બંદૂકનું લાઇસન્સ હતું. વધુમાં, પોલીસે આતંકીઓની કારમાંથી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) અને ISIS નો ઝંડો પણ મળ્યા હોવાની પુષ્ટિ કરી છે. પ્રધાનમંત્રી એન્થોની આલ્બાનીઝે કહ્યું કે બંદૂકધારીઓ "હનુક્કાહના પ્રથમ દિવસે જાણી જોઈને યહૂદી સમુદાયને નિશાન બનાવી રહ્યા હતા." આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની ઉંમર 10 વર્ષથી 87 વર્ષની વચ્ચે છે.