ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એજન્ટ, પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસા

October 02, 2024

ઈરાન : ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે ઇઝરાયલની જાસૂસી મોસાદને લઈને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં મહમૂદ અહમદીનેજાદે દાવો કર્યો છે કે. ઈરાની ગુપ્તચર સંસ્થાએ ઈરાનમાં કાર્યરત મોસાદનો સામનો કરવા માટે એક વિશેષ યુનિટ બનાવ્યું હતું. પરંતુ આ યુનિટનો વડા પોતે જ મોસાદનો એજન્ટ હોવાનું સામે આવ્યું હતું.

અહમદીનેજાદે કહ્યું હતું કે, 'વર્ષ 2021 સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, જેને ઈરાનની જાસૂસી રોકવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી તે અધિકારી પોતે જ મોસાદનો એજન્ટ હતો. ઈઝરાયલ ઈરાનમાં ખૂબ જ સંગઠિત રીતે કામ કરી રહ્યું છે. તે પ્રત્યક્ષ રીતે માહિતી એકત્રિત કરી શકે છે. જે માણસને ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ પર કાબુ મેળવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તે પોતે જ મોસાદનો એજન્ટ હતો. આ એક જ ઘટના નથી, ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ પર નજર રાખનાર ઈરાની ગુપ્તચર ટીમના 20 અન્ય એજન્ટો મોસાદ માટે કામ કરી રહ્યા હતા.'

ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે, 'આ પ્રકારના ડબલ એજન્ટ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ માહિતી ઈઝરાયલને આપે છે. અગાઉ વર્ષ 2018માં આ જ લોકોએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંબંધિત દસ્તાવેજોની ચોરી કરી હતી અને ઘણાં ઈરાની વૈજ્ઞાનિકોની હત્યા પણ કરાવી હતી.'

આ ખુલાસો અહમદીનેજાદે એવા સમયે કર્યો છે, જ્યારે ઘણાં અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાની જાસૂસે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના સ્થાન વિશે માહિતી આપી હતી. અને ત્યારપછી જ ઈઝરાયલે બેરૂત સ્થિત હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કરીને નસરાલ્લાહને ઠાર કર્યો હતો.