જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા રાજ્યોને ગૃહ મંત્રાલયે આપી સત્તા

May 09, 2025

દિલ્હી - કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીની સત્તાનો ઉપયોગ કરવાના નિર્દેશ કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટકર્તાઓને પત્ર લખી સિવિલ ડિફેન્સ રૂલ્સ હેઠળ સાવચેતીના જરૂરી પગલાંના અસરકારક અમલ માટે ઈમરજન્સી પાવર(કટોકટીની સત્તા)નો ઉપયોગ કરવાનો નિર્દેશ કર્યો છે. 
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના સરહદી વિસ્તારોમાં પણ ઍલર્ટ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી.


ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન મોર્ટાર અને આર્ટિલરી ગનની મદદથી સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમજ મોડી રાત્રે ડ્રોન અને મિસાઇલો વડે સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. જો કે, ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.

ગૃહ મંત્રાલયે આજે સવારે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં સોશિયલ મીડિયા અને અમુક મીડિયા પ્રકાશનો દ્વારા ફેલાવાઈ રહેલા ખોટા અહેવાલો અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. જૂની તસવીરો અને હુમલાની મદદથી ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે, જેના પર વિશ્વાસ કરતાં પહેલા ફેક્ટ ચેક કરવાની પણ અપીલ કરાઈ છે.