હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર

October 02, 2024

આજે પણ હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર અને પૂર્વી યુપીમાં હળવો વરસાદ થઈ શકે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન શુષ્ક રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ થયો છે. આગામી 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂરગ્રસ્ત બિહારમાં આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. મધુબની, સીતામઢી, શિયોહર, દરભંગા, ગોપાલગંજ, સારણ, સિવાન, કિશનગંજ, મુંગેર, અરરિયા અને સુપૌલમાં હળવો વરસાદ પડી શકે છે. બિહારમાં પૂરની સાથે સાથે હવે ભેજવાળી ગરમીથી લોકો પરેશાન છે.