60 વર્ષના વૃદ્ધોની સંખ્યા 15 કરોડને પાર, ભવિષ્યમાં અર્થતંત્ર માટે સારા સંકેત નહીં

March 07, 2025

ભારત ભલે હાલમાં યુવાનોનો દેશ ગણાતો પણ ટૂંક સમયમાં જ ભારત કેટલાક જાણીતા દેશોની જેમ ઘરડાઓ અને વૃદ્ધોના દેશ તરીકે પણ જાણીતો થવાનો છે. માત્ર બે દાયકા બાદ ભારતમાં વૃદ્ધોની વસતી મોટા પ્રમાણમાં જોવા મળશે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં હાલમાં કુલ વસતીમાંથી 15 કરોડ લોકો 60 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના છે. આગામી સમયમાં આ આંકડો વધતો જશે.


વર્ષ 2050માં ભારતની વસતીમાંથી 21 ટકા લોકો એટલે કે અંદાજે 35 કરોડ લોકો વૃદ્ધો હશે. ભારતમાં પ્રજનન દર ઓછો થઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. દેશમાં વધતી વૃદ્ધોની સંખ્યા ભારતના વિકાસ અને અર્થતંત્ર ઉપર મોટાપાયે નકારાત્મક અસર ઊભી કરે છે. સૂત્રોના મતે આ જે સ્થિતિ ઊભી થઈ છે તે ભારતને વિકસિત દેશ બનવાની દિશામાં અવરોધ ઊભો કરી શકે છે. ભારતનો તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસ ઉજવાયો છે. 75 વર્ષના આ સમયચક્રમાં ખૂબ જ મોટા ફેરફાર આવ્યા છે. તે સમયે દેશની જે વસતી હતી તેના કરતાં અત્યારે તોતિંગ વસતી થઈ ગઈ છે. આ ઉપરાંત એ વખતે ભારતમાં લાઇફ એક્સપેક્ટન્સી એટલે કે સરેરાશ આયુષ્ય જે 41.2 વર્ષ હતું તે હવે 72 વર્ષ સુધી પહોંચી ગયું છે. આ આંકડો કોઈપણ સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિના સરેરાશ આયુષ્યના આંકડાને દર્શાવે છે. ભારત જેવા અધધ વસતી ધરાવતા દેશ માટે આમ તો આ આંકડો એક સિદ્ધિ સમાન છે. 1.40 અબજ લોકોની વસતી ધરાવતા દેશમાં સરેરાશ આયુષ્ય વૈશ્વિક સરેરાશ કરતાં માત્ર 1 જ વર્ષ ઓછું હોય તે મોટી બાબત છે.