મોઢેરાના સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ, દેશભરના કલાકારોએ રજૂ કરી પોતાની આગવી પ્રસ્તૃતિ

January 19, 2025

મહેસાણા : મહેસાણાના પ્રખ્યાત મોઢેરાના સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સૂર્યમંદિર ખાતે યોજાતા બે દિવસીય શાસ્ત્રીય નૃત્ય પર્વમાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સહિતના અધિકારી-મંત્રીની ઉપસ્થિતિમાં ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ કરાયો. આ મહોત્સવમાં દેશભરના કલાકારોએ પોતાની આગવી પ્રસ્તૃતિ રજૂ કરી છે. ગુજરાત સરકાર દ્વારા 1992થી મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશભરના નૃત્ય કલાકારો દ્વારા પોતાના આગવી પ્રસ્તુતિ રજૂ કરવામાં આવે છે. જેમાં ભરતનાટ્યમ, કથક સહિતના નૃત્ય દ્વારા દેશભરની શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. 


મોઢેરાના સૂર્યમંદિર ખાતે યોજાયેલા ઉત્તરાર્ધ મહોત્સવના પહેલા દિવસે દિલ્હી, તમિલનાડુ, ગુજરાત સહિતના નૃત્ય કલાકારોએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી. જેમાં  અમદાવાદના શિતલ મકાવાણાએ ભરતનાટ્યમ અને બિનલ વાળાએ કથક, વડોદરાના એશ્વર્યા વારિઅરે મોહિનીઅટ્ટમ, દિલ્હીના માધવે ઓડિસી, તમિલનાડુના કૃપા રવિએ ભરતનાટ્યમ નૃત્ય રજૂ કર્યું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, 'ઉત્તરાર્ધ મહોત્સવમાં ભારતભરના સાંસ્કૃતિક નૃત્યમાં નામના મેળવેલા કલાકરોને અહીં ખાસ આમંત્રિત કરવામાં આવે છે.'