જનરલ ઇલેક્ટ્રિકને ભારતમાં ફાઇટર જેટ એન્જિન બનાવવા અમેરિકાએ મંજૂરી આપી

June 06, 2023

ન્યૂયોર્ક : ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા સહયોગ વધુ મજબૂત બનાવવાનાં ભાગરૂપે અમેરિકાએ જનરલ ઈલેક્ટ્રિકને ભારતમાં જ ફાઈટર જેટનાં એન્જિનનું ઉત્પાદન કરવા મંજૂરી આપી છે. ભારતમાં લશ્કરી યુદ્ધ વિમાનો માટેનાં એન્જિનનું ભારતમાં જ ઉત્પાદન કરવાનું વધુ આસાન બનશે. આ સંરક્ષણ સાધનોનું ઉત્પાદન દેશમાં જ કરવા આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્ત્વનું પગલું છે.

22મી જૂને ભારતનાં પીએમ મોદીની બાઈડેન સાથેની સત્તાવાર મુલાકાત વખતે આ કરાર પર હસ્તાક્ષર કરાશે તેમ પોતાની ઓળખ ગુપ્ત રાખવા માંગતા સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ નિર્ણયની હજી સત્તાવાર જાહેરાત કરાઈ નથી તેવું જાણવા મળે છે. ભારતમાં જેટ ફાઈટર યુદ્ધ વિમાનનાં એન્જિનનું ઉત્પાદન કરવા વ્હાઈટ હાઉસને જાન્યુઆરીમાં અરજી કરાઈ હતી. વ્હાઈટ હાઉસે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવા ઈનકાર કર્યો હતો.

અમેરિકા વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત સાથે સુરક્ષા સહયોગ સહિત તમામ મોરચે સહયોગ વધુ મજબૂત બનાવવા ઉત્સુક છે ખાસ કરીને મિલિટરી ટુ મિલિટરી સહયોગ અને ટેકનોલોજી ટ્રાન્સફર કરીને સંબંધો વધુ ગાઢ બનાવવા માગે છે. તે ભારત સાથે મૈત્રી વધુ ગાઢ બનાવીને ચીનનાં વર્ચસ્વને ઘટાડવા માંગે છે.