ગંભીરને કોચ પદેથી હટાવવાની જરૂર નથી..' ગાંગુલીએ જણાવી ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ખામી

November 19, 2025

પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ દક્ષિણ આફ્રિકા સામે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર બાદ ચાલી રહેલી ટીકા વચ્ચે હેડ કોચ ગંભીરનું સમર્થન કર્યું છે. આ હાર બાદ ભારતની તૈયારી અને અપ્રોચ પર સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ ગાંગુલીનું કહેવું છે કે ગંભીરને કોચ પદેથી હટાવવાની માગ બિલકુલ ખોટી છે.  એક ઈન્ટરવ્યુમાં ગાંગુલીએ ભાર મૂકીને કહ્યું કે, ભારતે વ્યાપક તસવીર પર ધ્યાન આપવું જોઈએ. તેણે તર્ક આપ્યો કે, ટીમે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે અને ભવિષ્યમાં વધુ સારી, વધુ સંતુલિત પિચો પર રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આ સાથે જ કોચ-કેપ્ટનની જોડી પર વિશ્વાસ રાખવો જોઈએ કે તે પરિસ્થિતિને બદલી દેશે. ગાંગુલીએ ગૌતમ ગંભીર અંગે કહ્યું કે, 'ના, ના, આ સ્ટેજ પર ગૌતમ ગંભીરને કોચ પદેથી હટાવવાનો તો કોઈ સવાલ જ નથી ઉઠતો, પરંતુ મને લાગે છે કે એક ટીમ તરીકે તેમણે એકસાથે બેસીને કહેવું પડશે કે, આપણે ટેસ્ટ મેચ જીતવા માટે સખત મહેનત કરશું, કારણ કે ફ્લેટ પિચો પર તે વધુ મુશ્કેલ હોય છે. વિરોધી ટીમ ટકી રહેશે, બંને ટીમો પ્રથમ ઈનિંગ્સમાં મોટો સ્કોર બનાવશે. અને ભારતમાં હેરાન કરનારી વાત છે કે, તમે જોઈ શકશો કે, ચોથા અને પાંચમા દિવસે મેચ કેટલી ઝડપથી બદલાઈ જાય છે.' ગાંગુલીએ કહ્યું કે, ભારત પાસે એવા ખેલાડીઓ છે જે યોગ્ય ટેસ્ટ સપાટી પર સ્પર્ધા કરી શકે છે અને વિદેશમાં પણ 20 વિકેટ લેવાની ક્ષમતા દેખાડી છે. તેથી તેમણે ધીરજ રાખવાની જરૂર છે. જેમ મેં કહ્યું તેમ, તેમની પાસે એવી આક્રમક બોલિંગ છે જે 20 વિકેટ લઈ શકે છે, જેમ તમે ઓવલમાં છેલ્લા દિવસે જોયું હતું, જેમ તમે એજબેસ્ટનમાં તે સારિઝ દરમિયાન (ઈંગ્લેન્ડ સામે) જોયું હતું. તેથી તેઓ તે કરી શકે છે. ભારતમાં બોલ જૂનો થતાં સ્વિંગ પણ થાય છે. આ માત્ર માનસિકતા બદલવાની વાત છે.