બે મહિનામાં હજ્જારો યુક્રેની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું : તેનું રહસ્ય શું છે ?

October 04, 2023

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન યુદ્ધને દોઢ વર્ષથી પણ વધારે સમય વીતી ગયો છે, પરંતુ યુદ્ધ બંધ થવાનું નામ લેતું નથી. હવે તો યુક્રેને વળતા હુમલા ડ્રોન વિમાનો દ્વારા શરૂ કરી દીધા છે. 'નાટો' દેશોએ આપેલા ડ્રોન વિમાનોથી છેક ક્રેમ્બીન સુધી યુક્રેન હુમલા કરી રહ્યું છે. પરંતુ યુદ્ધના પ્રારંભથી જ રશિયાએ આક્રમકતા ચાલુ રાખી જ છે. તેથી યુક્રેની સૈનિકો રશિયન આર્મી સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યાં છે.છેલ્લા અઢી મહિનામાં સરેન્ડર કરનારા યુક્રેની સૈનિકોની સંખ્યા ૧૦ હજારનો આંક પાર કરી ગઈ છે. રશિયન અધિકારીઓ કહે છે કે, યુક્રેની સૈનિકો એકી સાથે મોટી સંખ્યામાં આત્મ સમર્પણ કરી રહ્યાં છે. કેટલીક વખત તો સંપૂર્ણ કંપની (૧૦૦થી વધુ સૈનિકો) પોતાનાં શસ્ત્રો અને દારૂગોળા સાથે આત્મ સમર્પણ કરી રહ્યાં છે. આ વાતની પુષ્ટિ ઝાપોરિઝિયાના ગવર્નર યેવગેની બાલિયાત્સ્કીએ પણ કરી છે. આત્મસમર્પણ માટે યુક્રેની સૈનિકોએ રેડીયો ફ્રીકવન્સી ૧૪૯.૨૦૦ બનાવી છે. તે ઉપર કોઈ પણ વોકી-ટોકી દ્વારા સંપર્ક કરી શકાય છે. તે રેડીયો ફીકવન્સી ઉપર 'વોલ્ગા' નામક કોડવર્ડથી સંપર્ક સાધનારા યુક્રેની સૈનિકોને 'સેઈફ-રૂટ' આપવામાં આવે છે, અને તેઓને સુરક્ષિત રીતે શસ્ત્રો સમર્પિત કરવાની તક અપાય છે. આ આત્મ સમર્પણ પાછળનું મુખ્ય કારણ તે છે કે, યુક્રેનના મોટા પાયે યુવકોને જબરજસ્તીથી સેનામાં ભર્તી કરાય છે. તેઓને યુદ્ધનો કોઈ અનુભવ હોતો નથી. પોતાનો જીવ બચાવવા ફ્રન્ટ-લાઇન ઉપર પહોંચી તેઓ સરેન્ડર માટે રશિયન સૈનિકોનો સંપર્ક સાધે છે. ઉલ્લેખનીય તે છે કે યુક્રેનમાં જ બહુસંખ્ય લોકો તેવા પણ છે કે જેઓ રશિયાના સમર્થક છે, પરંતુ હજી સુધી તેઓ 'અન્ડર ગ્રાઉન્ડ' રહ્યા હતા. આ સ્થિતિમાં સમગ્ર યુનિટસ સરેન્ડર કરી રહ્યાં છે. તેમાં ઘણાં લોકો તેવા છે કે આત્મસમર્પણ પછી રશિયન સેનામાં જોડાઈ જાય છે.