મૉસ્કોમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ ત્રણ દેશોનો હાથ', રશિયાના આરોપ બાદ ખળભળાટ

March 27, 2024

રશિયાના મોસ્કો શહેરના ક્રૉકસ સિટી કન્સર્ટ હોલમાં 22 માર્ચે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 139 લોકોના મોત થયા છે. આતંકવાદીઓએ કન્સર્ટ હૉલમાં ઘુસી આડેધડ ગોળીબાર કર્યો હતો. એટલું જ નહીં બોંબ ધડાકા પણ કર્યા હતા, જેના કારણે બિલ્ડીંગના એક ભાગ ધરાશાઈ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી. ઘણા વર્ષો બાદ રશિયામાં આવો ઘાતક આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી ISIS-Kએ લીધી હતી, જોકે રશિયાની ગુપ્તચર એજન્સી ફેડરલ સિક્યોરિટી સર્વિસ હુમલા પાછળ ત્રણ દેશો પર મોટો આક્ષેપ કર્યો છે.

રશિયાની ગુપ્તચર એજન્સીએ આતંકવાદી હુમલા પાછળ અમેરિકા, યુકે અને યુક્રેનનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. એજન્સીએ કહ્યું કે, હુમલાની જવાબદારી ISIS-Kએ લીધી છે, જોકે આ ત્રણેય દેશોએ હુમલાનું ષડયંત્ર રચ્યું છે. 

આતંકી હુમલામા મૃતકોની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે. હુમલામાં 200થી વધુ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ઘણા લોકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલી આપી છે. ઘટનાને અંજામ આપનાર ચાર આતંકવાદીઓ સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં આતંકીઓએ નાણા માટે હુમલો કર્યો હોવાનો ખુલાસો કર્યો છે.

આ હુમલો પુતિનના ફરી રાષ્ટ્રપતિ બન્યાના કેટલાક દિવસો બાદ થયો હતો. આ હુમલો છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં થનારો સૌથી ઘાતક હુમલો હતો. હુમલા બાદ તરત જ કેટલાક રશિયન સાંસદોએ યુક્રેન સામે આંગળી ચીંધી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર, મિખાઈલો પોડોલ્યાકે તેમની કોઈપણ જાતની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો. મિખાઈલોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે, 'યુક્રેને ક્યારેય આતંકવાદી પદ્ધતિઓનો ઉપયોગ નથી કર્યો. આ રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બધું મેદાન પર નક્કી થશે.' આજે રશિયન રાજ્ય મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં ઇમરજન્સી વાહનોની લાઇન જોવા મળી હતી.