ટ્રમ્પને ડ્રગ્સ કે લોકશાહી નહીં, ઓઈલની ચિંતા: કમલા હેરિસ

January 04, 2026

અમેરિકાના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે વેનેઝુએલા પર કરાયેલી કાર્યવાહી અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. તેમણે દાવો કર્યો છે કે આ ડ્રગ્સ કે લોકશાહી નહીં તેલ ( ક્રૂડ ઓઇલ )નો મામલો છે.

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા છે. જેને લઈને દુનિયાના અનેક દેશો સવાલ ઉઠાવી રહ્યા છે. એવામાં કમલા હેરિસે કહ્યું છે, કે વેનેઝુલા પર ટ્રમ્પની કાર્યવાહીથી અમેરિકા ના તો અધિક સુરક્ષિત છે, ના મજબૂત બન્યું છે. માદુરો ક્રૂર અને ગેરકાયદે તાનાશાહ હતા, પણ આ કાર્યવાહી પણ ગેરકાયદે જ છે. સત્તા પરિવર્તન અને ઓઈલ માટે યુદ્ધ છેવટે તો અરાજકતામાં જ પરિણમશે. જેની કિંમત અમેરિકાના પરિવારોએ ચૂકવવી પડશે. 

કમલા હેરિસે વધુમાં કહ્યું, કે અમેરિકાની જનતા ટ્રમ્પના જુઠ્ઠાણાથી કંટાળી ગઈ છે. આ ડ્રગ્સ કે લોકશાહીનો મામલો નથી. આ ઓઈલ અને ટ્રમ્પની તાકાતવર નેતા બનવાની ઈચ્છાનો મામલો છે. તેમને ડ્રગ્સ કે લોકશાહીની જ ચિંતા હોત તો ક્યારેય ડ્રગ્સ પેડલર્સને માફ ન કર્યા હોત. ટ્રમ્પ અમેરિકાના સૈનિકોને ખતરામાં નાંખી રહ્યા છે અને અબજો ડોલર ખર્ચો કરી રહ્યા છે. ટ્રમ્પ સમગ્ર ક્ષેત્રને અસ્થિર કરી રહ્યા છે. આ કાર્યવાહીથી દેશને કોઈ લાભ નથી. અમેરિકાને એવા નેતૃત્વની જરૂર છે જે અમેરિકાની જનતાને સર્વોપરી રાખે. અમેરિકાના પરિવારો માટે મોંઘવારી ઘટાડે. કાયદાનું શાસન લાગુ કરે.