ટ્રમ્પના ટેરિફ વોરના લીધે શેરબજારમાં અફરાતફરી, નિફ્ટીએ 22000નું લેવલ તોડ્યું, આઈટી-ટેક્નો શેર્સ ગગડ્યાં

March 04, 2025

શેરબજારમાં અફરાતફરીનો માહોલ જળવાઈ રહ્યો છે. ટ્રમ્પના ટેરિફ વોરની ખાતરી થતાં જ આઈટી, ટેક્નોલોજી, ઓટો, ટેલિકોમ શેર્સ કડડભૂસ થયા હતાં. સેન્સેક્સ આજે 200 પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ 452.4 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, બાદમાં નીચલા મથાળે ખરીદી વધતાં 11.03 વાગ્યે 112.99 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા,મેક્સિકો, અને ચીન પર ટેરિફ લાદવાની ઉપરાંત બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવાની જાહેરાત કરતાં જ વિશ્વમાં ટેરિફ વોરની ચિંતા વધી છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. નિફ્ટી જે છેલ્લા કેટલાક દિવસથી 22000નું લેવલ જાળવી રાખવા મથામણ કરી રહ્યો હતો. તે આજે 22000નું લેવલ તોડી 21964.60 થયો હતો. જો કે, 11.05 વાગ્યે 34.45 પોઈન્ટના કડાકે ફરી પાછો 22084.85 થયો હતો.

બીએસઈ ખાતે છેલ્લા કેટલાક દિવસથી કડડભૂસ થયેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. એનસીએલટીએ કોફી ડે પર ચાલી રહેલી બેન્કરપ્સીની કાર્યવાહી રદ કરતાં જ કોફી ડેના શેર છેલ્લા બે દિવસથી રોજ 20 ટકાની અપર સર્કિટ નોંધાવી છે. આ સિવાય એમપીએસએલ, એનએસીએલ જ્યોતિ સીએનસી, વિજયા, એપિગ્રલ જેવા શેર્સમાં 10 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ આજે 700 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. પીએસયુ, રિયાલ્ટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ પણ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. ગેઈલ, એનટીપીસી, ગુજરાત ગેસ, આઈઆરસીટીસી, એનએમડીસી સિવાય તમામ પીએસયુ શેરોમાં 6 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. 

ટ્રમ્પે ચીન, મેક્સિકો, કેનેડા પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં જ પ્રતિક્રિયા આપતાં આ દેશોએ પણ સામે અમેરિકી પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદવાની તૈયારી બતાવી છે. ચીને ડબ્લ્યૂટીઓ (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) સમક્ષ અમેરિકાના આ ટેરિફ વલણ વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. બીજી તરફ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ટ્રમ્પની તૈયારીને જોતાં ભારતના કેન્દ્રીય મંત્રી તાત્કાલિક ધોરણે અમેરિકા રવાના થયા છે. તેઓ વ્હાઈટ હાઉસ સાથે આ મુદ્દે ચર્ચા કરી ટેરિફનો ઉકેલ લાવવા માગે છે. રેસિપ્રોકલ ટેરિફ 2 એપ્રિલથી લાગુ થવાનો છે. જેમાં જે દેશો અમેરિકા પાસેથી ટેરિફ વસૂલે છે, તે દેશો પર તેટલો જ ટેરિફ લાદવામાં આવશે.