તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે સતત ત્રીજી વખત એર્દોગને શપથ લીધા, મોંઘવારી ઘટાડવાનો પડકાર

June 04, 2023

અંકારા- તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે સતત ત્રીજી વખત ચૂંટાયેલા અને ભારતના કટ્ટર દુશ્મન એવા રેસેપ એર્દોગને રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા છે.


બહુ જલદી તેઓ નવા મંત્રી મંડળની જાહેરાત કરશે. એર્દોગન પોતાની અગાઉની આર્થિક નીતિઓ ચાલુ રાખશે કે વધારે રુઢિચુસ્ત અર્થવ્યવસ્થા તરફ વળશે તેના સંકેત આગામી દિવસોમાં મળશે. તુર્કી અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે અને એર્દોગન માટે મુખ્ય પડકાર દેશની ઈકોનોમીને ફરી પાટા પર લાવવાનો છે. ખાસ કરીને મોંઘવારી ઘટાડવા માટે અને તુર્કીના ચલણનુ ધોવાણ અટકાવવા માટેના મુદ્દાઓને એર્દોગને પ્રાથમિકતા આપવી પડશે.


એર્દોગને દેશના પૂર્વ બેન્કર અને જાણીતા અર્થશાસ્ત્રી મેહમત સિમસેકને નાણા મંત્રાલયનો હવાલો આપવાની જાહેરાત કરી છે. સંસદમાં સોગંદવિધિ વખતે એર્દોગને કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ તરીકે આપણા મહાન દેશના સન્માન અને અખંડિતા જાળવવા માટે હું શપથ લઈ રહ્યો છું. હું તમામ દેશવાસીઓને સાથે લઈને ચાલીશ.


શપથ વિધિ બાદ દેશના રાષ્ટ્રપતિ ભવનમાં એક શાનદાર સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ તેમજ આર્થિક સંકટ છતા ચૂંટણીમાં દેશની જનતાએ એર્દોગનને ફરી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે. તેમને 52.2 ટકા મત મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કિલિકડારોગ્યૂને 47.8 ટકા મત મળ્યા હતા.