નાશિક આર્ટિલરી સેન્ટરમાં રાજકોટના વિશ્વરાજસિંહ સહિત બે અગ્નિવીરના ટ્રેનિંગ દરમિયાન મૃત્યુ

October 11, 2024

નાશિક - મહારાષ્ટ્રના નાશિક આર્ટિલરી સેન્ટરમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં તાલીમ દરમિયાન તોપમાંથી છોડવામાં આવેલો એક ગોળો ફાટતા બે અગ્નિવીરના મૃત્યુ થયા છે, જ્યારે એક અગ્નિવીર ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. તો મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામનાર બે પૈકી એક ગુજરાતના રાજકોટનો જવાન હતો. જેની પોલીસે માહિતી આપી છે.


એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરૂવારે બપોરે નાશિકના આર્ટિલરી સેન્ટરમાં અગ્નિવીરો ફાયરિંગની તાલીમ લઈ રહ્યો હતા. આ દરમિયાન અગ્નિવીરોની એક ટીમ તોપમાંથી ગોળા ફેંકી રહી હતી ત્યારે અચાનક તોપનો ગોળો ફાટ્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના બે અગ્નિવીરના સૈફત શિત (21) અને ગુજરાતના ગોહિલ વિશ્વરાજ સિંહ (20) મૃત્યુ પામ્યા. ઈજાગ્રસ્ત અગ્નિવીર અપ્પલા સ્વામીની સારવાર દેવલાલીની એમએચ હોસ્પિટલમાં ચાલી રહી છે.  નાસિકમાં થયેલી આ દુર્ઘટનામાં રાજકોટના અગ્નિવીર વિશ્વરાજ સિંહ ગોહિલનું મોત થયું છે. વિશ્વરાજ સિંહ ગોહિલ આચવડના વતની હતા. વિશ્વરાજ સિંહ હૈદરાબાદના કેમ્પમાંથી નાસિક તાલીમ માટે ગયા હતા. હવલદાર અજીત કુમારની ફરિયાદના આધાર પર દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ ઘટનાની તપાસનો આદેશ અપાયો છે.