AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 કરોડના કૌભાંડમાં નામ સંડોવાયું

April 30, 2025

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ પીડબ્લ્યુડી મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ અટકવાનું નામ લઈ રહી નથી. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે (ACB)  રૂ. 2000 કરોડનું ક્લાસરૂમ કૌભાંડ મામલે આ બંને નેતાઓ વિરૂદ્ધ વધુ એક એફઆઈઆર નોંધી છે. આ કૌભાંડમાં અન્ય સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની સંડોવણી હોવાની શક્યતાઓ પર તપાસ થઈ રહી હોવાનું એસીબી ચીફ મધુર વર્માએ જણાવ્યું હતું. કથિત લીકર કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા સિસાદિયા અને જૈન વિરૂદ્ધ  શાળાઓના ક્લાસરૂમ બાંધકામમાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. એસીબીએ જણાવ્યા પ્રમાણે, આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના કાર્યકાળમાં 12748 ક્લાસરૂમ બાંધકામમાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. કેજરીવાલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા હતા. જ્યારે જૈન પીડબ્લ્યુડી (પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ)નો ચાર્જ સંભાળી રહ્યા હતા. ક્લાસરૂમના બાંધકામનો કોન્ટ્રાક્ટ 34 કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. જે તમામ AAP સાથે જોડાયેલા હતા. ACBએ જણાવ્યું હતું કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન  કર્યા વિના જ એડવાઈઝર અને આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવી હતી. સસ્તી ગુણવત્તાના ક્લાસરૂમ બાંધી ખર્ચ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાને સમકક્ષ દર્શાવવામાં આવ્યો હતો. રજૂ કરવામાં આવેલા ટેન્ડરમાં ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. 24.86 લાખ પ્રતિ રૂમ દર્શાવાયો હતો. જ્યારે દિલ્હીમાં આ પ્રકારના ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. 5 લાખ પ્રતિ રૂમ છે.