વધુ બે કટ્ટર દેશ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ ભડકવાની તૈયારી

October 13, 2024

પેલેસ્ટાઇન : રશિયા-યુક્રેન, ઇઝરાયલ-પેલેસ્ટાઇન, ઇઝરાયલ-લેબેનોન અને ઇઝરાયલ-ઇરાન બાદ વિશ્વના અન્ય બે કટ્ટર દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને લાંબા સમયથી એકબીજાના કટ્ટર દુશ્મનો માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશ પણ આપી ચૂક્યા છે. આ દરમિયાન તેમની બહેન કિમ યો જોંગએ દક્ષિણ કોરિયાને અંજામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરી જણાવ્યું કે, દક્ષિણ કોરિયાએ 3, 9 અને 10 ઓક્ટોબરે ઉત્તર કોરિયાના હવાઇ ક્ષેત્રમાં માનવરહિત ડ્રોન ઉડાડ્યું હતું.

જો કે, દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રી કિમ યોંગ-હ્યુનને આ આરોપ ફગાવી દીધા હતા, પરંતુ બાદમાં સંયૂક્ત ચીફ ઓફ સ્ટાફે પોતાના નિવેદનમાં સંશોધન કરતા કહ્યું કે, અમે પુષ્ટિ નથી કરી શકતા કે ઉત્તર કોરિયાના આરોપ સાચા છે કે ખોટા. જે બાદ શનિવારે રાત્રે સરમુખત્યાર કિમ જોંગ ઉનની બહેને કહ્યું કે, દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાની સુરક્ષાને જોખમમાં નાખવાનું કામ કર્યું છે. માટે હવે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા પર ચેતવણી વગર હુમલો કરશે, પરંતુ દક્ષિણ કોરિયાએ અત્યાર સુધી આ ધમકી પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજેન્સીના અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગએ તાજેતરમાં જ દક્ષિણ કોરિયાને ચેતવણી આપી હતી કે, જો દક્ષિણ કોરિયા ઉશ્કેરણી કરશે તો ઉત્તર કોરિયા કોઇપણ સંકોચ વગર પરમાણુ હથિયારોનું ઉપયોગ કરી જવાબી કાર્યવાહી કરશે. નોંધનીય છે કે, ઉત્તર કોરિયા લાંબા સમયથી દક્ષિણ કોરિયા વિરૂદ્ધ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. ઉત્તર કોરિયા દ્વારા હથિયારોનું પરિક્ષણ અને દક્ષિણ કોરિયાનું અમેરિકા સાથે મળીને સૈન્ય અભ્યાસના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયું છે.