યુક્રેનનો રશિયા પર ભયાનક હુમલો, ડ્રોન હુમલો કરી રશિયાના એરબેઝને રાખ બનાવી દીધું

March 20, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી હેઠળ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કી વચ્ચે યુદ્ધવિરામની વાતચીત ચાલી રહી છે, ત્યારે બીજીતરફ યુક્રેને રશિયા પર ભયાનક હુમલો કરી ખળભળાટ મચાવી દીધો છે. યુક્રેને ડ્રોનથી હુમલો કરતા રશિયન એરબેઝ આગની ઝપેટમાં આવી રાખ થઈ ગયું છે.

મળતા અહેવાલો મુજબ યુક્રેને આજે (20 માર્ચ) રશિયાના એન્ગેલ્સ સ્ટ્રૈટેજિક બૉમ્બર બેઝ પર હુમલો કરતા વિસ્ફોટ થયો છે. ધડાકાના કારણે ધૂમાળાના ગોટેગોટા અને ભયાનક આગ જોવા મળી છે. યુક્રેને યુદ્ધના મોરચાથી લગભગ 700 કિલોમીટર દૂર આ હુમલો કર્યો છે.

રશિયન સરકારી અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટમાં યુક્રેને કરેલા હુમલાના વીડિયોની પુષ્ટી કરવામાં આવી છે. વીડિયોમાં એરબેઝ પર ભયાનક વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે. હુમલા બાદ વિસ્ફોટ અને આગના કારણે આસપાસના અનેક તંબુઓ આગમાં રાખ થઈ ગયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, અમારા ડિફેન્સ સિસ્ટમે યુક્રેનના 132 ડ્રોન તોડી પાડ્યા છે.

યુક્રેનના હુમલા બાદ એન્ગેલ્સ જિલ્લાના પ્રમુખ મક્સિમ લિયોનોવે ઈમરજન્સી જાહેર કરી દીધી છે. જોકે તેમણે હુમલા અંગે કોઈપણ માહિતી આપી નથી. બીજીતરફ મીડિયા રિપોર્ટમાં પણ સ્વતંત્રરીતે આ હુમલાની પુષ્ટી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, યુક્રેને અગાઉ પણ એન્ગેલ્સ એરબેઝને નિશાન બનાવ્યું હતું. ત્યાં ડિસેમ્બર-2022માં ડ્રોનથી હુમલા કરાયા હતા. ત્યારબાદ જાન્યુઆરીમાં પણ એક ઑઈલ ડેપો પર હુમલો થતા ભયાનક આગ લાગી ગઈ હતી અને આ આગને ઓલવવામાં પાંચ દિવસ લાગ્યા હતા.