કેનેડાના 41 રાજદ્વારીઓને 10મી સુધીમાં ભારત છોડવા અલ્ટિમેટમ

October 04, 2023

કેનેડા દ્વારા ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનાં ખોટા આક્ષેપો પછી બંને દેશ વચ્ચેનાં રાજદ્વારી સંબંધો વધુ વણસી રહ્યા છે. ભારતે વધુ આકરાં પગલાં લઈને કેનેડાનાં 41 રાજદ્વારીઓને 10મી ઓક્ટોબર સુધીમાં દેશ છોડીને કેનેડા પાછા ફરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. ભારતમાં હાલ કેનેડાનાં 62 રાજદ્વારીઓ એક યા બીજી રીતે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.

સરકારનાં જણાવ્યા મુજબ 10મી ઓક્ટોબરની ડેડલાઈન પછી 41 પૈકી કેનેડાનાં જે રાજદ્વારીઓ ભારતમાં રહેશે તેમને મળનારી છૂટ તેમજ સવલતો બંધ કરાશે. 10મી ઓક્ટોબર પછી ભારતમાં કેનેડાનાં 21 રાજદ્વારીઓ જ રહી શકશે. ભારતે બંને દેશમાં રાજદ્વારીઓની સંખ્યા સમાન રાખવાની તરફેણ કરી હતી.

વિયેના સમજૂતી મુજબ કોઈ દેશનાં રાજદ્વારી સામે કોઈ કેસ ચલાવી શકાય નહીં. તેમની કોઈ ગુનામાં ધરપકડ પણ કરી શકાય નહીં. આમ તમામ દેશનાં રાજદ્વારીઓને મળતી છૂટ તેમજ સવલતો આપવી જરૂરી છે. જો કોઈ રાજદ્વારી અન્ય દેશનાં કાયદાનો ભંગ કરે તો તેમને પોતાનાં દેશમાં પાછા મોકલી દેવામાં આવે છે જ્યાં તેમની પર કાર્યવાહી ચલાવી શકાય છે.