વરદાયિની માતનો પલ્લી મેળો, 20 કરોડના શુદ્ધ ઘીનો અભિષેક, નદીઓ વહેતી થઈ

October 13, 2024

ગાંધીનગર- રૂપાલ ગામમાં શુક્રવારની રાત્રે વરદાયિની માતનો પલ્લી મેળો ભરાયો હતો. મહાભારત કાળથી ગામમાં કાઢવામાં આવતી આ પલ્લી મેળામાં આ વખતે અગાઉના વર્ષો કરતા ઓછા તેમ છતાં આઠથી નવ લાખ ભક્તોનો સાગર છલકાયો હતો. એટલું જ નહીં, આ ભક્તો દ્વારા પલ્લી પર ચારથી સાડા ચાર લાખ કિલોગ્રામ ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. બજાર કિંમત પ્રમાણે આ વખતે પલ્લી પર 18 થી 20 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક કરવામાં આવ્યો છે. પાંચ જ્યોતવાળી પલ્લી પર ઘીના અભિષેકથી સમગ્ર ગામમાં જાણે શુદ્ધ ઘીની નદીઓ વહેતી હોય તેવું દ્રશ્ય ઉભુ થયું હતું.


ઐતિહાસિક મહાભારતના સમયથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિવર્ષ નવરાત્રિ પર્વના નવમા નોરતે યોજાય છે. ત્યારે નોમને શુક્રવારના રોજ મધરાત બાદ પલ્લી બનાવવા સહિતની ધાર્મિક પૂજા વિધી હાથ ધરવામાં આવી હતી. માતાજીની મંજૂરી બાદ પરોઢિયે ચાર વાગ્યે પાંચ જ્યોતવાળી પલ્લી ગામમાં નીકળી હતી. પહેલાં ચકલાએ જ્યારે પલ્લી પહોંચી ત્યારે તો પલ્લી ઉપર શુદ્ધ ઘીનો વરસાદ થતો હોય તે રીતે ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર 27 ચકલા ફરીને પલ્લી સવારે સાત વાગ્યે વરદાયિની માતા મંદિર પરિસરમાં પહોંચી હતી. જ્યાં પણ શ્રદ્ધાળુઓએ બાધા-શ્રદ્ધાથી શુદ્ધ ઘી ચઢાવ્યું હતું.

આ વર્ષે મોંઘવારી હોવા છતાં શ્રદ્ધાળુઓ દ્વારા ઘીનો અભિષેક કરવાની સાથે ઘી પેટે કરેલા દાનની આવક પણ થઈ હતી. તેમજ પલ્લીની પરિક્રમા દરમિયાન પલ્લી પર ચારથી સાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક કરાયો હોવાનો અંદાજ લગાવવામાં આવે છે. આ ઘીનો આજના બજાર ભાવ સાથે સરખાવવામાં આવે તો પલ્લી પર ચઢાવવામાં આવેલુ આ શુધ્ધથી 18 થી 20 કરોડ રૂપિયાનું થાય તેમ છે.