છાવાની શૂટિંગમાં એકબીજાનો ચહેરો નહોતા જોવા માંગતા વિક્કી કૌશલ અને અક્ષય: ડાયરેક્ટરે જણાવ્યું કારણ

February 05, 2025

વિકી કૌશલ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ 'છાવા'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિકીએ છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવ્યુ છે, તેમજ રશ્મિકા મંદાના મહારાણી યેસુબાઈ અને અક્ષય ખન્ના ઔરંગઝેબના રોલમાં જોવા મળશે. વિકીને આશા છે કે આ ફિલ્મ તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બની જશે. પરંતુ આ ફિલ્મને લઈને ફિલ્મના ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરે એક ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ડાયરેક્ટર લક્ષ્મણે જણાવ્યું હતું કે વિકી અને અક્ષયે ફિલ્મ પહેલા ક્યારેય વાત કરી ન હતી. તેમજ શૂટિંગ દરમિયાન પણ તેમણે એકબીજા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મ દરમિયાન પણ બંને પોતપોતાના પાત્રોમાં એટલા મશગૂલ હતા કે તેઓ એકબીજાનું મોઢું પણ જોવા માંગતા ન હતા.  એક ઈન્ટરવ્યૂમાં લક્ષ્મણે અક્ષય ખન્નાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બેસ્ટ એક્ટર ગણાવ્યો હતો. આ સાથે જ ડાયરેકટરે કહ્યું કે, 'અક્ષયે જે રીતે ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે તે તમને ડરાવી દેશે. અભિનેતાએ ખૂબ ઓછી વાત કરી, પરંતુ ઘણી બધી વાતો તે તેની આંખો દ્વારા કહેતો હતો.  ડાયરેકટરે અક્ષય વિષે જણાવતા કહ્યું કે, 'હું અલીબાગમાં એક્ટરના ઘરે ગયો હતો. તે ખૂબ જ સરસ માણસ છે. જો કે, તેણે બહુ ઓછા પ્રોજેક્ટમાં કામ કર્યું છે, પરંતુ તે જે પણ કરે છે, તે દિલથી કરે છે.' અક્ષય સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતા વિકીએ કહ્યું કે, 'અમે બંનેએ શૂટિંગ પહેલા વાત કરી ન હતી. તેમજ અમે એકબીજાને ગુડ મોર્નિંગ કે ગુડ બાય કે હેલો પણ નથી કહ્યું . તે ઔરંગઝેબના રોલમાં હતા અને હું છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં હતો. અમે બંને આ રીતે સીધા શૂટિંગમાં જ જતા રહેતા.'  આ વિષે વિકીએ વધુમાં કહ્યું, 'છત્રપતિ સંભાજી મહારાજને શોધવા અને પકડવામાં ઔરંગઝેબને નવ વર્ષ લાગ્યા. તેથી, મોટાભાગની ફિલ્મ તેને શોધવાની આસપાસ જ ફરે છે. મારા અક્ષય સાથે અમુક સીન છે. પરંતુ ફિલ્મના શુટિંગ દરમિયાન અમે એક પણ વખત વાત કરી નથી. અક્ષયે ઔરંગઝેબના પાત્રમાં જે જાન ફૂંકી છે તે છત્રપતિ સંભાજી મહારાજ સાથે સારી બંધ બેસે છે.'