યૂરોપીયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટાવીને ઢાકા શિફ્ટ કરવામાં આવે: મોહમ્મદ યૂનુસ

December 10, 2024

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે યુરોપિયન દેશોના વિઝા સેન્ટરને દિલ્હીથી ઢાકા અથવા અન્ય કોઈ પાડોશી દેશમાં શિફ્ટ કરવા માટે વિનંતી કરી છે. તેમણે સોમવારે ઢાકામાં યુરોપિયન યુનિયન દેશોના રાજદ્વારીઓ સાથેની બેઠકમાં આ વાત કરી હતી. બાંગ્લાદેશમાં નિયુક્ત યુરોપિયન યુનિયન પ્રતિનિધિમંડળના વડા માઈકલ મિલરે બપોરે 12 વાગ્યે રાજધાનીના તેજગાંવમાં મુખ્ય સલાહકારના કાર્યાલયમાં મોહમ્મદ યુનુસ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં 19 સભ્યોના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બાંગ્લાદેશી મીડિયા અનુસાર લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં 15 પ્રતિનિધિઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ બેઠકમાં શ્રમ અધિકારો, વેપાર સુવિધા, આબોહવા પરિવર્તન, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ અધિનિયમનો અમલ, રોહિંગ્યા પ્રત્યાર્પણ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ અંગે બંનેની પ્રતિબદ્ધતાઓ અને પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં, મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ઉપસ્થિત રાજદ્વારીઓને બાંગ્લાદેશીઓ માટે તેમના વિઝા કેન્દ્રોને દિલ્હીથી ઢાકા અથવા અન્ય કોઈ પાડોશી દેશમાં શિફ્ટ કરવા વિનંતી કરી હતી.