યુદ્ધવિરામ સમાપ્ત : ઇઝરાયલે ગાઝા પર રોકેટ છોડ્યા, 100થી વધુ લોકોના મોતનો દાવો

December 02, 2023

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 દિવસીય અસ્થાયી યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ફરી એકવાર બોમ્બમારો શરૂ થઈ ગયો છે. યુદ્ધવિરામ સમાપ્ત થયાના એક કલાકની અંદર ઇઝરાયેલી સેના IDFએ ગાઝા પર જોરદાર બોમ્બમારો શરૂ કર્યો હતો જેમાં 100થી વધુ લોકોના મોત થયા છે.

હમાસના કબજા હેઠળના ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ઇઝરાયેલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો હતો જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. રિપોર્ટ અનુસાર ઈઝરાયેલે હમાસ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

IDFનું કહેવું છે કે હમાસે બુધવારે રોકેટ ફાયર કરીને યુદ્ધવિરામ સમાપ્ત થાય તે પહેલા તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મધ્યસ્થી કતારનું કહેવું છે કે તે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે નવેસરથી યુદ્ધવિરામ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કતારે પણ ઈઝરાયેલ દ્વારા ગાઝા પર બોમ્બમારો કરવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

સાત દિવસીય યુદ્ધવિરામ દરમિયાન 100થી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. ઇઝરાયેલનું કહેવું છે કે તેના 115 પુરુષો, 20 મહિલાઓ અને બે બાળકો હજુ પણ હમાસ દ્વારા બંધક છે. આ યુદ્ધવિરામ હેઠળ ઈઝરાયેલે 240 પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કર્યા છે.  શુક્રવારે સવારે 7 વાગ્યે યુદ્ધવિરામ સમાપ્ત થયો હતો.