કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ

September 15, 2026

રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ વચ્ચે કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને માંડવી તાલુકામાં સવારે 8 થી 10 વાગ્યાના માત્ર બે કલાકના સમયગાળામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આ બે કલાક દરમિયાન રાજ્યના કુલ 25 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં માંડવી મોખરે રહ્યું હતું.

આ સમયગાળા દરમિયાન કચ્છના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર પાણી વરસ્યું હતું. સરકારી નોંધણી મુજબ મુન્દ્રામાં 0.79 ઇંચ, ભુજમાં 0.59 ઇંચ, નખત્રાણામાં 0.39 ઇંચ, લખપતમાં 0.35 ઇંચ, ગાંધીધામમાં 0.24 ઇંચ, અંજારમાં 0.20 ઇંચ અને અબડાસામાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે પોરબંદર અને ઓખામંડળમાં 0.24 ઇંચ, સુરત શહેરમાં 0.20 ઇંચ, જ્યારે કોડિનારમાં 0.12 ઇંચ નોંધાયો હતો. જામનગર, રાણાવાવ, જાફરાબાદ, ભાવનગરના મહુવા અને ઉમરેઠમાં 0.08 ઇંચ તથા ગીર સોમનાથના સૂત્રાપાડા અને ઉના પંથકમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

હાલમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચારને એક ખાસ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વરસાદની ઘટનો સામનો કરી રહેલા કચ્છમાં આ રાઉન્ડમાં સૌથી વધુ પાણી વરસવાની શક્યતા છે, જ્યાં એકથી બે સ્પેલ અત્યંત ભારે વરસાદના આવી શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ 2 થી 4 ઇંચ જેટલો સારો વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે.

બીજી તરફ, હવામાન વિભાગે સોમવારે એક સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. જે મુજબ આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકાના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું જોર ઘટશે, પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ ઝાપટાં ચાલુ રહેશે. ત્યારબાદ 19 અને 20 સપ્ટેમ્બરે સપ્તાહના અંત સુધીમાં સિસ્ટમ નબળી પડતા માત્ર છૂટાછવાયા સ્થળોએ જ હળવા વરસાદની સંભાવના છે.