નાપાક હરકત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીશું : અમિત શાહ

April 22, 2025

કોઈને પણ છોડાશે નહીં... પહલગામમાં આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ
પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો અત્યંત આઘાતજનક : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
પહલગામ- આતંકવાદીઓએ ભયાનક હુમલો કરી ફરી જમ્મુ-કાશ્મીરને ધમધણાવી દીધું છે. આતંકીઓના જૂથે આજે પહલગામના બૈસરન ગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો છે, જેમાં 20થી વધુ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આતંકીઓની આ નાપાક હરકતના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન મોદી સહિત દેશના અનેક નેતાઓએ પણ રોષ સાથે આતંકવાદીઓને ન છોડવા અને કડક કાર્યવાહી કરવા સહિતની પ્રતિક્રિયા આપી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. આ હુમલાને આઘાતજનક અને અત્યંત પીડાદાયક ગણાવતા તેમણે કહ્યું કે, 'નિર્દોષ લોકો પરનો આ હુમલો એકદમ બર્બર અને અમાનવીય હતો અને તેની સખત નિંદા થવી જોઈએ. નિર્દોષ નાગરિકો અને આ કિસ્સામાં પ્રવાસીઓ પર હુમલો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે.'
આતંકી હુમલા અંગે X પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, 'જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહીં આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.'
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, હું એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક કરવા માટે ટૂંક સમયમાં શ્રીનગર જઈ રહ્યો છું. મેં પ્રધાનમંત્રી મોદીને આતંકવાદી હુમલા વિશે જાણ કરી છે. સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે. આ હુમલો કરનારા આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં. કડક કાર્યવાહી કરવામાં આવશે.’
-------