વોટ્સએપે ઓગસ્ટમાં 74 લાખથી વધુ ભારતીયોનાં ખાતાં પર પ્રતિબંધ મૂક્યો

October 03, 2023

મેટાની માલિકીની લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપએ 2021ના નવા આઈટી નિયમોનું પાલન કરતાં ભારતમાં 74 લાખથી વધારે બેકાર ખાતાઓ સામે કાર્યવાહી કરી હતી. અહેવાલો અનુસાર આ મેસેજિંગ પ્લેટફોર્મે પહેલી ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા 7,420,748 ખાતા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

નોંધનીય છે કે નવા આઈટી નિયમ-2021 બાદ તમામ મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ દર મહિને રિપોર્ટ આપવો પડે છે તેના અંતર્ગત વોટ્સએપે ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ કરાવી છે. તેણે જણાવ્યું હતું કે પ્રતિબંધિત કુલ એકાઉન્ટ્સમાંથી લગભગ 35,06,905 એકાઉન્ટ્સ એવા હતાં કે જેમાં વોટ્સએપે જાતે જ નિર્ણય કરીને પ્રતિબંધ મૂકી દીધો હતો.

તેણે જણાવ્યું હતું કે તેને ઓગસ્ટમાં 14,767 ફરિયાદો પ્રાપ્ત થઇ હતી. વોટ્સએપ પ્લેટફોર્મ પર પોતાના યૂઝર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘણા ફીચર પ્રદાન કરે છે. આ ફીચર્સમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, ટુ સ્ટેપ વેરિફિકેશન, ફોરવર્ડ લિમિટ્સ અને અન્ય ઘણા બધાનો સમાવેશ થાય છે.