MP હોય કે મહારાષ્ટ્ર-ઝારખંડ, એક બાદ એક મહિલાઓ જ બનાવી રહી છે સરકાર: યોજનાઓ બની ગેમચેન્જર

November 23, 2024

ભારતીય રાજકારણના બદલાતા ચિત્રમાં એક ટ્રેન્ડ સ્પષ્ટ રૂપે ઉભરી આવ્યો છે. આ ટ્રેન્ડમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી જીતમાં નિર્ણાયક ફેક્ટર સાબિત થઈ રહી છે. રાજયભરમાં રાજકીય પાર્ટીઓએ મહિલા-કેન્દ્રિત કલ્યાણકારી કાર્યક્રમોની ઘોષણા કરી છે અને તેને અમલમાં મૂકતા મહિલા મતદાતાઓ તેમના માટે એક મજબૂત આધાર સ્તંભ બની છે. મહિલા મતદાતાઓનો આધાર રાજકીય પાર્ટીઓ માટે મજબૂત વોટ બેન્ક સાબિત થઈ છે. ઝારખંડ અને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામે એકવાર ફરી આ ટ્રેન્ડની પુષ્ટિ કરી છે. આ પેટર્ને આ વાતને રેખાંકિત કરી છે કે, રાજકીય પરિણામોને આકાર આપવામાં મહિલાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

થોડા વર્ષો પહેલાં સુધી રાજકીય વિશ્લેષક પુરૂષોની તુલનામાં મહિલાઓમાં ઓછા મતદાનની ટકાવારીની ટીકા કરતા હતાં. આ સ્થિતિ ત્યારે ઉભી થાય છે, જ્યારે મતદાતાઓની યાદીમાં લગભગ અડધી સંખ્યા મહિલાઓની છે. આ અંતરને દૂર કરવા શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્ય પ્રદેશની સરકારે દેશમાં પહેલીવાર આવી યોજના લોન્ચ કરી, જે મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી હતી. આ યોજનાએ મધ્યપ્રદેશનું રાજકારણ બદલી દીધું.

ચૂંટણીના થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવેલી લાડલી બહેના યોજના એમપીમાં ગેમ ચેન્જર સાબિત થઈ. સીધું કેશ ટ્રાન્સફરનો લાભ આપતી આ યોજનાએ મહિલા મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા માટે પ્રેરિત કરી. જેના પરિણામરૂપે ભાજપને જંગી બહુમતી સાથે જીત મળી અને આ વ્યૂહરચના ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા સાબિત થઈ ગઈ.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ઘણી રાજ્ય સરકારોએ આવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ યોજનાઓમાં શિક્ષા અને સ્વાસ્થ્યમાં મહિલાઓની સુધારણા માટે સીધી રોકડ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, આ યોજનાઓને મહિલાઓએ સ્વીકારી અને બદલામાં સરકારોને પણ શાનદાર વોટ મળ્યાં. 

એવા રાજ્યો જ્યાં આગામી થોડા મહિનામાં ચૂંટણી યોજાવાની છે ત્યાંની સરકારોએ પણ આવી જ યોજનાઓ લૉન્ચ કરી છે. આ યોજનાઓના મૂળમાં મહિલાઓને સીધો લાભ આપવાનો સમાવેશ થાય છે. જેનાથી રાજકીય પાર્ટીઓને જોરદાર લાભ મળે છે. જેમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને મહિલા-કેન્દ્રિત પહેલને પ્રાથમિકતા આપી હતી. સરકારે મહિલા સશક્તિકરણ યોજનાનો વિસ્તાર કર્યો, જેણે મહિલાઓના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે નાણાંકીય પ્રોત્સાહન આપ્યું. લાડકી બહેન યોજના આ સરકારની ટ્રેડ માર્ક યોજના બની. આ યોજના હેઠળ સરકાર દરેક પરિવારની મહિલા પ્રમુખને દર મહિને 1500 રૂપિયા આપે છે. ચૂંટણી પહેલા, સરકારે વ્યૂહાત્મક પગલું ભર્યું અને આ રકમ વધારીને 2500 રૂપિયા કરવાનું વચન આપ્યું. શિંદે સરકારે વચન આપ્યું હતું કે, જો તેઓ જીતશે તો દરેક પરિવારની મહિલા પ્રમુખને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે.

શિંદે સરકારની મહિલાઓની યોજના હવે રંગ લાવી છે. આ ચૂંટણીમાં મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવી હતી. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓએ મતદાન કર્યું હતું અને ચૂંટણી પરિણામોમાં મહિલાઓએ મહાયુતિ સરકાર માટે શાનદાર મતદાન કર્યું છે. આ જ કારણ છે કે, જે બેઠક પર મહાવિકાસ અઘાડી મહાયુતિને કાંટાની ટક્કર આપી રહી હતી, ત્યાં મહાયુતિ મહિલા મતદાતાઓના દમ પર શાનદાર સફળતા હાંસલ કરી. 

ઝારખંડ

મહારાષ્ટ્રની સફળતા ઝારખંડમાં પણ જોવા મળી હતી. અહીં પણ મહિલા કેન્દ્રિત યોજનાઓની અસર જોવા મળી હતી. મૈયા સન્માન યોજનાએ ઝારખંડના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. આ યોજના હેઠળ રાજ્ય સરકાર યોગ્ય મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપતી હતી. હેમંત સરકારે આ યોજનાના 4 હપ્તાઓ પહેલેથી જ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. આ ઉપરાંત હેમંત સરકારે શાળાએ જતી છોકરીઓને મફત સાઈકલ, એકલ માતાને રોકડ સહાય અને બેરોજગાર મહિલાઓને રોકડ સહાય આપવાની યોજનાઓ પણ શરૂ કરી છે. આદિવાસી, ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં આ યોજનાઓ વિશે જબરદસ્ત ચર્ચા થઈ હતી. ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, હેમંત સરકારને આ યોજનાઓથી ખૂબ ફાયદો થયો અને JMM વિશાળ બહુમતી સાથે વાપસી કરવામાં સફળ રહી. 

1. પ્રત્યક્ષ લાભાર્થીઓ: 

મહિલા-કેન્દ્રિત કલ્યાણકારી યોજનાઓમાં મોટાભાગે સીધા રોકડ ટ્રાન્સફર અથવા સીધા લાભ સામેલ હોય છે. જેના કારણે લાભાર્થીને તરત જ અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના તેનો ફાયદો મળે છે. તેને વચેટિયાઓથી મુક્તિ મળે છે અને પોતે સશક્ત અનુભવે છે. આ ફાયદાના બદલામાં તે સંબંધિત પાર્ટીને મત આપવામાં ખચકાતા નથી.

2. સામુદાયિક પ્રભાવ

મહિલાઓ, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં, કુટુંબ અને સામુદાયિક નિર્ણય લેવામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. જે આડકતરી રીતે ઘણા મતોને પ્રભાવિત કરે છે. જ્યારે કોઈ મહિલા સમૂહમાં હોય છે અને આ યોજનાની ચર્ચા કરે છે, તો બીજી મહિલાઓ પણ તેનાથી પ્રભાવિત થાય છે.

3. સામાજિક અંતર દૂર કરવું

આ યોજનાઓ લાંબા સમયથી ચાલતી અસમાનતાને ટાર્ગેટ કરે છે. આ યોજનાઓ સિંગલ મધર, વિધવાઓ અને આર્થિક રીતે નબળા વર્ગોને આકર્ષે છે. કારણ કે આમાં તેમને કોઈપણ સરકારી દખલ વિના રોકડ મળે છે.

આવી યોજનાઓથી મહિલાઓ વચ્ચે વિશ્વાસ ઊભો થાય છે અને વફાદારીમાં વધારો થાય છે. જે પાર્ટીઓ આવી યોજનાઓ અમલમાં લાવે છે તેમના માટે મહિલાઓ કાયમી વોટ બેન્ક બની જાય છે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ ચિત્ર ઉભરી આવ્યું છે કે, મહિલા મતદારો હવે સાઇલેન્ટ વોટર નથી. મહિલા-કેન્દ્રિત કલ્યાણકારી યોજનાઓ રાજકીય પક્ષો માટે એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવ્યું છે, જે ચૂંટણીની વ્યૂહરચના અને શાસનની પ્રાથમિકતાઓને પુન: આકાર આપે છે.