WHOની સીરમ - ઓક્સફર્ડની મેલેરિયા વિરોધી રસીને મંજૂરી

October 04, 2023

મેલેરિયા સામેની લડાઇમાં વિશ્વને વધુ એક શસ્ત્ર મળ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) મેલેરિયાની એક નવી વેક્સિનને મંજૂરી આપી દીધી છે, જેનું નામ R21/Matrix-M છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું કે યુએનની હેલ્થ એજન્સીએ બે એક્સપર્ટ ગ્રૂપની સલાહ પર મેલેરિયા સામેની નવી રસીને મંજૂરી આપી છે.

એક્સપર્ટ ગ્રૂપ્સે મેલેરિયાનું જોખમ ધરાવતા બાળકોને આ રસી આપવા ભલામણ કરી હતી. હવે આપણી પાસે મેલેરિયા વિરુદ્ધ બે રસી છે. નોંધનીય છે કે મેલેરિયા એક ગંભીર બીમારી છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો તેની ઝપટમાં આવે છે. 2019માં મેલેરિયાથી વિશ્વમાં કુલ 4.09 લાખ મોત થયા હતા. ભારતમાં 2019માં મેલેરિયાના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 77 લોકોના મોત થયા હતા.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સીરમ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયાની મદદથી વેક્સિન તૈયાર કરી છે, જેના કુલ ત્રણ ડોઝ લેવાના રહેશે. રિસર્ચ દરમિયાન જાણવા મળ્યા મુજબ આ વેક્સિન 75 ટકાથી વધુ અસરકારક છે. બૂસ્ટર ડોઝ સાથે તે વધુ એક વર્ષ સુધી મેલેરિયા સામે રક્ષણ પૂરું પાડે છે. વેક્સિનના એક ડોઝની કિંમત બેથી ચાર ડોલર (અંદાજે 166થી 332 રૂપિયા) હશે.

2024 સુધીમાં વેક્સિન કેટલાક દેશોમાં ઉપલબ્ધ થઇ શકે છે. સીરમ ઇન્સ્ટિ. દર વર્ષે 10 કરોડ ડોઝ બનાવશે. WHOના જણાવ્યાનુસાર વેક્સિન મેલેરિયાના દર 10માંથી 4 કેસ રોકવામાં મદદ કરી શકે છે. અત્યંત ગંભીર કેસોમાં પણ દર 10માંથી 3 લોકોને બચાવી શકાશે.