રામમંદિરના નિર્માણ માટે શ્રમિકો નથી મળી રહ્યાં!

November 09, 2024

અયોધ્યા : અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ થવામાં હજુ ત્રણ મહિના મોડુ થઈ શકે છે. હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધી તૈયાર થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ શુક્રવારે (8 નવેમ્બર) જાણકારી આપી કે, પહેલાં જૂન 2025 સુધી મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનું લક્ષ્ય હતું, પરંતુ વર્તમાનમાં 200 શ્રમિકોની કમીના કારણે તેમાં મોડુ થઈ રહ્યું છે. મંદિરની મુખ્ય ચાર દિવાલમાં ઉપયોગમાં લેવાતા 8.5 લાખ ઘન ફૂટ લાલ બંસી પહાડપુર પથ્થર પહેલાંથી જ અયોધ્યા પહોંચી ગયા છે, પરંતુ શ્રમિકોની કમીના કારણે કામમાં અડચણ આવી રહી છે. 

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલાં પથ્થરોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ પહેલાં તળ પર અમુક પથ્થરો નબળા હોવાની જાણ થઈ હતી, તેથી તેની જગ્યાએ હવે મજબૂત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય મંદિરની અન્ય સંરચનાઓ જેમ કે, સભાગાર, સીમા અને પરિક્રમા પથનું પણ નિર્માણકાર્ય પણ શરૂ છે. મૂર્તિકારોએ આશ્વાસન આપ્યું છે કે, ડિસેમ્બર 2024 સુધી મંદિરની તમામ મૂર્તિઓ પૂરી કરી દેવાશે અને ડિસેમ્બરના અંત સુધી આ મૂર્તિઓ અયોધ્યા પહોંચી જશે.