વિશ્વના 3 મુખ્ય ઓઇલ સપ્લાય રુટ ઠપ: ભારત માટે ખતરાની ઘંટડી! શું દુનિયા આર્થિક મંદીમાં ધકેલાશે?

September 12, 2026

કોઈપણ દેશના અર્થતંત્રને જીવંત રાખવા માટે ઓઇલ અને ગેસ એ લોહી સમાન છે. કલ્પના કરો કે આ લોહીને પહોંચાડતી મુખ્ય નસો જ અચાનક બંધ થઈ જાય તો શું થાય? આજે સમગ્ર વિશ્વ બરાબર આવી જ એક ભયંકર પરિસ્થિતિના ઉંબરે ઊભું છે. મધ્ય-પૂર્વમાંથી દુનિયાભરમાં ઓઇલ પહોંચાડતા 3 સૌથી મહત્ત્વના માર્ગો પર યુદ્ધ અને આતંકવાદના કાળા વાદળો ઘેરાયા છે. જો આ માર્ગો લાંબા સમય સુધી બંધ રહ્યા, તો માત્ર અમેરિકા કે યુરોપ જ નહીં, પરંતુ ભારતના સામાન્ય માણસના ઘરનું બજેટ પણ ખોરવાઈ જશે. ચાલો, આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થવ્યવસ્થાની આ જટિલ રમતને સરળ શબ્દોમાં સમજીએ. વિશ્વમાં દરરોજ જેટલું ઓઇલ વપરાય છે, તેનો લગભગ 30% હિસ્સો આ ત્રણ મુખ્ય રસ્તાઓ પરથી પસાર થાય છે. હાલમાં આ ત્રણેય રસ્તાઓ ગંભીર ખતરામાં છે.
1) હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz): ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો આ દરિયાઈ રસ્તો વિશ્વના કુલ ઓઇલ સપ્લાયનો 20% હિસ્સો સંભાળે છે. ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવને કારણે આ માર્ગ દ્વારા થતો ઓઇલ પુરવઠો હાલમાં ખોરવાયેલો છે.
2) સાઉદી અરેબિયાની 'ઈસ્ટ-વેસ્ટ' પાઇપલાઇન: હોર્મુઝના જોખમથી બચવા માટે સાઉદી અરેબિયાએ 1200 કિલોમીટર લાંબી એક પાઇપલાઇન બનાવી હતી. આ પાઇપલાઇન પૂર્વના ઓઇલ ક્ષેત્રોમાંથી ઓઇલ લઈને પશ્ચિમના 'યાનબુ' બંદર સુધી પહોંચાડે છે. આ માર્ગ દ્વારા રોજના 4થી 5 મિલિયન બેરલ ઓઇલ (વિશ્વના 4%થી 5%)ની નિકાસ થાય મોકલાય છે. પરંતુ, ઈરાક તરફથી થયેલા ડ્રોન હુમલાઓના ડરથી સાઉદી અરેબિયાએ હાલ પૂરતી આ પાઇપલાઇન બંધ કરી દીધી છે.
3) બાબ-અલ-મંદેબ સામુદ્રધુની (Bab-al-Mandeb): આ માર્ગનું નામ અરબી ભાષામાં છે, જેનો અર્થ થાય છે 'ગેટ ઓફ ટીયર્સ' એટલે કે 'આંસુઓનું પ્રવેશદ્વાર'. યમન અને જીબુટી વચ્ચે આવેલો 29 કિલોમીટરની પહોળાઈ ધરાવતો આ જળમાર્ગ લાલ સમુદ્ર (Red Sea)ને અરબી સમુદ્ર સાથે જોડે છે. તેમાંથી વિશ્વનું 5%થી 12% ઓઇલ અને ગેસ (લગભગ 4થી 5 મિલિયન બેરલ દરરોજ) પસાર થાય છે. હાલમાં આ જળમાર્ગ હૂથી વિદ્રોહીઓના નિશાના પર છે.
તાજેતરમાં હૂથીઓએ સતત 18 કલાક સુધી અત્યંત આક્રમક સૈન્ય અભિયાન ચલાવીને લાલ સમુદ્રના કિનારે આવેલા 'મોચા' બંદર, 'માયુન' ટાપુ અને 'હનિશ' ટાપુઓ પર કબજો જમાવી દીધો છે. હૂથી નેતાઓએ જાહેરાત કરી છે કે હવે બાબ-અલ-મંદેબ તેમના નિયંત્રણમાં છે. ઈરાન તેમનું સાથી હોવાથી જો ઈરાન ધારે તો હવે હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ એમ બંને મુખ્ય માર્ગો પરથી પસાર થતા વેપારી જહાજો અને ઓઇલ ટેન્કરોને નિશાન બનાવી શકે છે અથવા તેમને રોકી શકે છે. જો હૂથીઓ બાબ-અલ-મંદેબમાંથી જહાજોને પસાર ન થવા દે, અથવા જો તેમના હુમલાના ડરથી દરિયાઈ વીમા કંપનીઓ (Marine Insurance) પ્રીમિયમમાં અધધ વધારો કરી દે, તો શિપિંગ કંપનીઓ પાસે માત્ર એક જ વિકલ્પ બચશે - સુએઝ કેનાલ અને લાલ સમુદ્રનો સીધો રસ્તો છોડીને આફ્રિકા ખંડની દક્ષિણે આવેલા 'કેપ ઓફ ગુડ હોપ' વાળો લાંબો રસ્તો પકડવો, જેની સીધી અસર અંતર અને ખર્ચ પર પડશે.
સાઉદી અરેબિયાના યાનબુ બંદરથી જાપાન જવા માટે સામાન્ય રીતે 14,200 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, પરંતુ આફ્રિકા ફરીને જવાથી આ અંતર વધીને 27,200 કિલોમીટર થઈ જશે!
આ લાંબા રસ્તાને કારણે જહાજોને પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં 2થી 3 અઠવાડિયાનો વધુ સમય લાગશે.
જહાજનું ઈંધણ, ક્રૂ મેમ્બર્સનો પગાર અને લોજિસ્ટિક્સ ખર્ચ બેવડાઈ જશે.
ભારત ભૌગોલિક રીતે બાબ-અલ-મંદેબથી 3000 કિલોમીટર દૂર છે, પરંતુ આર્થિક રીતે તે આપણી 'દુખતી રગ' છે. ભારતને પણ આ કટોકટીની બહુ મોટી અસર થશે. આયાત મોંઘી બનશે: ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ ઓઇલ આયાત કરે છે. મધ્ય-પૂર્વના ઓઇલ જળમાર્ગો ખોરવાઈ જતાં ભારતની આયાત-નિકાસ જે વર્ષ 2023માં દરરોજની 9.3 મિલિયન બેરલ હતી એ 2025ના પહેલા છ મહિનામાં ઘટીને માત્ર 4.2 મિલિયન બેરલ થઈ ગઈ છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધવાથી ભારતની ઓઇલ કંપનીઓ પર દબાણ આવશે. આ ઘટાડો ભારતના ઊર્જા ક્ષેત્ર માટે ચિંતાનો વિષય છે.
નિકાસને મોટો ફટકો: ભારત ઓઇલ પેદા કરતો દેશ નથી, પરંતુ વિશ્વનું મોટું 'રિફાઇનિંગ હબ' છે. ભારત ક્રૂડ ઓઇલ ખરીદીને તેને શુદ્ધ કરીને અન્ય દેશોને વેચે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી યુરોપના દેશો ડીઝલ માટે ભારત પર નિર્ભર બન્યા છે. ઓગસ્ટ, 2026માં યુરોપની 60% ડીઝલની માંગ ભારતે પૂરી કરી હતી. આ ઉપરાંત, ભારત દવાઓ, કપડાં અને એન્જિનિયરિંગનો સામાન યુરોપ મોકલે છે. જો લાલ સમુદ્રનો માર્ગ બંધ થાય, તો મુંબઈથી યુરોપના રોટરડેમ બંદરનું અંતર 15,700 કિલોમીટરથી વધીને 23,000 કિલોમીટર થઈ જાય, જેને કારણે ભારતને નિકાસ કરવી મોંઘી પડે.
સ્પર્ધામાં પાછળ પડવાનો ડર: માલવાહક જહાજોને આફ્રિકા ફરીને મોકલવાનો ખર્ચ એટલો મોટો હશે કે યુરોપના બજારોમાં ભારતીય માલ ખૂબ મોંઘો થઈ જશે. પરિણામે, ચીન કે અન્ય દેશોની સરખામણીમાં ભારત પોતાના નિકાસ બજાર (Export Market)માં પછડાટ ખાઈ શકે છે.
ભારતની અર્થવ્યવસ્થા માટે ભૂકંપઃ બાબ-અલ-મંદેબ, સાઉદી પાઇપલાઇન અને હોર્મુઝની સામુદ્રધુની પર છવાયેલું આ સંકટ દુનિયાને ફરીથી 1970ના દાયકા જેવી ભયંકર ઓઇલ કટોકટી તરફ ધકેલી શકે છે. ભારતની અર્થવ્યવસ્થા ઊર્જાની આયાત અને માલસામાનની નિકાસ પર ટકેલી હોવાથી આવી કટોકટીભરી સ્થિતિ ભારત માટે મોટા આર્થિક ભૂકંપ સમાન સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય આ દરિયાઈ માર્ગોને ખુલ્લા રાખવા માટે કેવા રાજદ્વારી કે સૈન્ય પગલાં લે છે.