તમિલનાડુમાં 2 બસો વચ્ચે ટક્કર, 12 મુસાફરોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત

November 30, 2025

શિવગંગા- તમિલનાડુના શિવગંગા જિલ્લાના થિરૂપથુર નજીક રવિવારે બે સરકારી બસો વચ્ચે ટક્કર થઈ ગઈ, જેમાં 12 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં અંદાજિત 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, એક બસ કરાઈકુડી જઈ રહી હતી. જ્યારે બીજી મદુરૈ જઈ રહી હતી, ત્યારે તિરુપથુર નજીક રોડ પર બંને બસો ટકરાઈ ગઈ. ટક્કર બાદ અનેક મુસાફરો ફસાઈ ગયા, પરંતુ સ્થાનિકો અને ઈમરજન્સી ટીમોએ તેમને બહાર કાઢ્યા. ઈજાગ્રસ્તોને શિવગંગા સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાના કારણે મૃતકોની સંખ્યા વધી શકે છે. તમિલનાડુમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન બીજી વખત આવો બનાવ બન્યો છે, જ્યારે બે બસ એકબીજા સાથે ટકરાઈ ગઈ, જેમાં અનેક લોકોના મોત થયા. રાજ્યના તેનકાસી જિલ્લામાં સોમવાર (23 નવેમ્બર, 2025)ના રોજ બે બસ ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા, જ્યારે 30 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.