300 ગામ ડૂબ્યાં, 274થી વધુ સ્કૂલો બંધ, યુપી-બિહાર સહિત દેશભરમાં વરસાદ-પૂરથી હાહાકાર

September 19, 2024

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. યુપી સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. અહીં પૂરના કારણે 274 સ્કૂલો બંધ કરવામાં આવી છે. જયારે 20 સ્કૂલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. આથી બુધવારથી શરુ થતી પરીક્ષાને પૂરના કારણે હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. 

ત્યારે યુપીના 24 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. યુપીમાં ઘાઘરા, ગંડક, ગંગા, વરુણા નદી પૂરથી પ્રભાવિત થઈ છે. ગોંડા જિલ્લાના 35 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ અયોધ્યામાં સરયૂ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. લખીમપુર ખેરીના ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. યુપીના લગભગ 300 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પ્રયાગરાજ, ઇટાવા અને મિર્ઝાપુરમાં 8મી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 

હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે બુધવારે 50 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો છે. હિમાચલમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 172 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો હજુ પણ લાપતા છે. ઝારખંડ અને બંગાળના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં છે. જયારે ઓડિશાના 250 ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.

દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. અહીંના બેરેજ અને ડેમ પાણીથી ભરાઈ ગયા છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. દામોદર વેલી કોર્પોરેશનના બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આગામી 2-3 દિવસ સુધી સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના છે.