વીરઝારા 20 વર્ષે રી રીલિઝ થઈ તો પણ 100 કરોડ કમાઈ

September 25, 2024

મુંબઈ : બોલીવૂડ બોક્સ ઓફિસ પર નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. રી રીલિઝ થઈ રહેલી ફિલ્મો વર્ષો પહેલાંની તેમની મૂળ રીલિઝ વખતની કમાણી કરતાં વધુ કમાણી કરી રહી છે. હવે આ યાદીમાં શાહરુખ ખાન, પ્રિટી ઝિન્ટા અને રાણી મુખરજીની ફિલ્મ 'વીર ઝારા' પણ સામેલ થઈ ગઈ છે. ૨૦ વર્ષ પહેલાં આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે કુલ ૯૮ કરોડ કમાઈ હતી. આ વખતે રી રીલિઝમાં તે કુલ ૧૦૨ કરોડ કરતાં પણ વધારે કમાઈ ચૂકી છે. મૂળ રીલિઝ વખતે આ ફિલ્મનાં ગીતો સુપરહિટ થયાં હતાં પરંતુ તેની સ્ટાર કાસ્ટને જોતાં તે અપેક્ષિત કમાણી કરી શકી ન હતી. જોકે, વર્ષો બાદ તેની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધતી રહી હતી. આ અગાઉ તૃપ્તિ ડિમરીની 'લૈલા મજનૂ' અને સોહમ શાહની 'તુમ્બાડ' સહિતની ફિલ્મો પણ તેમની મૂળ રીલિઝ કરતાં રી રીલિઝમાં વધારે કમાણી કરી ચૂકી છે.