ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યુ

August 13, 2025

વાઇબ્રન્ટ ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. અત્યાર સુધી મફત અનાજ વહેંચી વાહવાહી મેળવ્યા બાદ હવે ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ આદરી છે જેના ભાગરુપે અન્ન પુરવઠા વિભાગે તપાસ કરતાં આખાય રાજ્યમાં કુલ મળીને 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યુ છે. 

આર્થિક રીતે સુખ સંપન્ન લોકો પણ ગરીબોની અન્ય યોજનાની ભરપૂર લાભ લઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત તો એ છેકે, જમીનદારો, કંપની ડિરેક્ટર, ઈન્કમટેક્સ ભરનારાં 25 લાખનું ટર્નઓવર કરતાં લોકો પણ એનએફએસ રેશનકાર્ડ ધરાવે છે. પ્રથમ તબક્કામાં 15.66 લાખ એનએસએફએ કાર્ડને નોન એનએસએફએ કાર્ડમાં તબદીલ કરવાં નક્કી કરાયું છે.

હવે અન્ન પુરવઠા વિભાગે ગરીબોના નામે મફત અનાજ મેળવતા કાર્ડધારકોને શોધી કાઢવાનું અભિયાન શરૂ કર્યું છે. પાત્રતાના માપદંડ બંધ બેસતા ન હોવા છતાંય આર્થિક રીતે સુખી સંપન્ન લોકો એનએફએસએનું કાર્ડ ધરાવે છે. આવા લોકોને અન્ન પુરવઠા વિભાગે નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે.