સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા, તમામનું રેસ્ક્યુ કર્યું

August 24, 2025

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી તિભારે વરસાદ વરસતા મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે. એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મહેસાણા જિલ્લાના વડનગરમાં જૂની વાગડી નજીક સાબરમતી નદીમાં રેતી લેવા ગયેલા 7 લોકો નદીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.જો કે, NDRFની ટીમે કલાકોની મહેનત બાદ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.


મળતી માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં સાત લોકો નદીના વચ્ચે અટવાઈ ગયા હતા. સ્થાનિક ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ(NDRF)ને બોલાવવામાં આવી. NDRFની ટીમે 22 કલાકની અથાગ મહેનત બાદ તમામ 7 લોકોને હેમખેમ બચાવી લીધા. 
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન નદીનો તીવ્ર પ્રવાહ અને વરસાદી વાતાવરણે ટીમની કામગીરીને વધુ મુશ્કેલ બનાવી હતી, પરંતુ NDRF અને ફાયર ટીમની સમન્વયિત કામગીરીએ આ મિશનને સફળ બનાવ્યું. બચાવાયેલા તમામ લોકો સુરક્ષિત છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.