20 વર્ષના છોકરાએ ટ્રમ્પને ગોળી મારી, એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી

July 14, 2024

પેન્સિલવેનિયા : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો કરનારા હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક જ એક યુવકે ગોળીબાર કર્યો હતો. આ રેલીમાં એક 20 વર્ષના છોકરાએ ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કર્યા હતા. એફબીઆઈએ તેની ઓળખ થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરી છે. તેણે ટ્રમ્પના સ્ટેજથી લગભગ 130 યાર્ડ દૂર એક પ્લાન્ટની છત પર ઊંચાઈ પર ચઢી જઈને ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. 


ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરતા હુમલાખોરની ઓળખ કરી લીધી છે. હુમલાખોરની ઉંમર 20 વર્ષ છે અને પેન્સિલવેનિયાનો જ રહેવાસી છે. ટ્રમ્પની રેલી પણ ત્યાં જ યોજાઈ હતી. સિક્રેટ સર્વિસે એક નિવેદન આપીને જણાવ્યું કે, હુમલાખોરને ઘટનાસ્થળ પર જ જવાબી કાર્યવાહીમાં ઠાર કરી દેવામાં આવ્યો છે. ગોળીબારની આ ઘટનામાં હુમલાખોર સિવાય એક અન્ય વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે અને બે અન્ય સામાન્ય નાગરિકને પણ ઈજા થઈ હતી.  

હુમલા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું કેમ્પેઈન ચાલુ જ રાખશે. સોમવારથી શરૂ થઈ રહેલા રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શનમાં તેઓ પહેલાની જેમ જ સામેલ થશે. ત્યાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે તેમના નામની સત્તાવાર જાહેરાત થવાની છે. અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટિક જો બાઈડેન સાથે થવાનું નક્કી છે. ટ્રમ્પ અને બાઈડેન બંને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ટ્રમ્પ સતત રેલીઓ કરી રહ્યા છે અને આ દરમિયાન શનિવારે તેમના પર જીવલેણ હુમલો થયો છે.