દિલ્હીના જુદાજુદા મંદિરોમાં સિદ્ધિદાત્રી સ્વરૂપના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ

October 23, 2023

દેશભરમાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલા નવરાત્રી મહોત્સવનો આજે અંતિમ દિવસ છે. નવરાત્રીનો નવમો દિવસ માં દુર્ગાના આદિ શક્તિ સ્વરૂપ સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે, દેવી માં સિદ્ધિદાત્રી તમામની મનોકામના પૂર્ણ કરનાર દેવી છે અને માં ભક્તોના યશ, બાલ અને ધન પ્રદાન કરીને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે દેવી આદિશક્તિના નવમાં સ્વરૂપના પૂજન માટે ભક્તોની ભારે ભીડ મંદિરોમાં ઉમટી રહી છે.

દિલ્હીના છત્તરપુર મંદિરમાં વિધિવત રીતે પૂજાની સાથે દેવીમાંની આરતી કરીને માં દુર્ગાને નમન કરવામાં આવ્યું. દિલ્હીના જ કાલકાજી મંદિરમાં આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. માંના જયઘોષ સાથે ભક્તોએ દેવીમાંના દર્શન કર્યા હતા. આ જ રીતે ઝંડેવાલાન મંદિરમાં માનો ભવ્ય અને વિશાળ દરબાર શણગારવામાં આવ્યો છે અને તમામ ભક્તો માના ચરણોમાં નમન કરવા આવી રહ્યા છે.

ગુજરાતના સુરતમાં પણ ભક્તિનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. અંબિકા નિકેતન મંદિરમાં બિરાજમાન અંબે માના સિદ્ધિદાત્રી સ્વરૂપને સુંદર રીતે શણગારીને ભક્તિભાવપૂર્વક પૂજન કરવામાં આવી રહ્યું છે.

મુંબઈના પ્રસિદ્ધ મુમ્બા દેવી મંદિરમાં દેવીના દ્વાર ખૂલે તે પહેલા જ ભક્તોની કતારો લાગી ગઈ હતી અને દરેક લોકો આતુરતાથી દેવીના દર્શનની રાહ જોઈ રહ્યા હતા. માતા દેવીના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ માતા સિદ્ધિદાત્રીની નવરાત્રીના નવમા દિવસે માતાના જયજયકાર સાથે પૂજા કરી હતી.