દુષ્કર્મીઓને નપુંસક બનાવવાની માંગ કરતી અરજી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્યોને મોકલી નોટિસ

December 17, 2024

દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે એક જનહિત અરજીના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ મોકલી જવાબ માંગ્યો છે. પીટિશનમાં મહિલાઓની સુરક્ષા માટે રાષ્ટ્રવ્યાપી માર્ગદર્શિકાની માગણી કરવામાં આવી છે. આ સિવાય તેમાં ઓનલાઈન પોર્નોગ્રાફિક સામગ્રી પર પ્રતિબંધ અને યૌન શોષણના અપરાધો માટે દોષિત વ્યક્તિઓને નપુંસક બનાવવાની માંગણી કરવામાં આવી હતી. આ પીટિશન દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ કેસના બરાબર 12 વર્ષ પછી દાખલ કરવામાં આવી હતી. 
સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું હતું કે, 'તમે જે માગણીઓ કરી છે તેમાંથી એક સાર્વજનિક પરિવહનમાં સામાજિક વર્તણૂક માટે માર્ગદર્શિકા જારી કરવા માટેની છે, આ સંપૂર્ણ નવો વિચાર છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.' અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહાલક્ષ્મી પાવનીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 'વર્ષ 2012માં બનેલી ગેંગરેપની ઘટનાને ઘણાં વર્ષો વીતી ગયા હોવા છતાં, મહિલાઓ પર દુષ્કર્મ અને હત્યાના કેસો હજુ પણ અટકી રહ્યા નથી.'
આ અંગે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ જારી કરી હતી. ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે, 'કેટલાક મુદ્દા સંપૂર્ણપણે નવા છે. અમે અરજદારની પીટિશનની કેટલીક માંગણીઓની ખૂબ પ્રશંસા કરીએ છીએ. પરંતુ તમે જે નિર્દેશોની માંગણી કરી રહ્યા છો તેમાંની કેટલીક માગ અત્યંત ઘાતકી છે. તમે રસ્તાઓ પર સમાજની સામાન્ય મહિલાઓ માટે રાહત માંગી રહ્યા છો, જેઓ અસુરક્ષિત છે અને રોજિંદા જીવનમાં પડકારોનો સામનો કરી રહી છે.'